અમદાવાદમાં TBના રોગમાં વર્ષે 700થી વધુ લોકોનાં મોત થાય છે
- ટી.બી. રોગને કાબૂમાં લેવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ
- છેલ્લા પાંચ વર્ષમાં 55,648 કેસમાં 3,358 લોકોનાં મોત TBમાં થઇ ગયા
અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદ શહેરમાં ટી.બી.ના રોગમાં રોજના 2 થી 3 લોકોના મોત થઇ રહ્યા છે. વર્ષ 2019માં કુલ ટી.બી.ના 12,048 કેસ નોંધાયા હતા. જેમાંથી 723 લોકોના મોત નિપજ્યા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કુલ 55,648 કેસ નોંધાયા હતા. જેમાંથી 3,358 લોકો ટી.બી.જેવી ગંભીર બીમારીમાં મોતને ભેટયા હતા.
વર્ષ 2017 થી મરણનો આંકડો વાર્ષિક 700ને પાર જતો રહ્યો છે. શહેરમાં પૂર્વ વિસ્તારના કામદાર અને ગરીબ પરિવારોમાં આ રોગ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. ભાઇપુરા, રખિયાલ, અસારવરા, અમરાઇવાડી, બાપુનગર, ઇન્ડિયાકોલોની સહિતના વિસ્તારોમાં આ રોગના મોટી સંખ્યામાં દર્દીઓ છે.
ટી.બી. રોગ નાબૂદી અભિયાન હેઠળ ટી.બી.ના દર્દીઓને નિયત પોષણ સહાય યોજના અંતર્ગત માસિક 500 રૂપિયાની સહાય અપાતી હોય છે. શહેરમાં આ યોજના વર્ષ 2018થી અમલી છે. અત્યાર સુધીમાં 29,391 દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો હોવાનું જાણવા મળે છે.
ટી.બી.ના રોગના દર્દીઓની ઓળખ માટે એક્ટીવ કેસ ફાઇન્ડિંગ સર્વે એન.ટી.ઇ.પી.ના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઇને સર્વે કરવામા ંઆવી રહ્યો છે. વર્ષ 2019માં બહેરામપુરામાંથી સૌથી વધુ 831 કેસ ટી.બી.ના મળ્યા હતા. જેમાં40 દર્દીઓના મોત નિપજ્યા હતા. રખિયાલમાંથી 831 કેસ મળ્યા હતા. જેમાં 46 દર્દીના મોત થયા હતા.
નોંધપાત્ર છેકે એકબાજુ ટી.બી.રોગ નાબૂદી માટે મ્યુનિ.તંત્ર દ્વારા વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. તેમ છતાંય આ રોગ નાબૂદ થવાને બદલે અથવા તો ઓછો થવાને બદલે દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જે મ્યુનિ.તંત્રની નિષ્ફળતાને સુચવે છે. ટી.બી. રોગને કાબૂમાં કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. વર્ષ 2015માં જ્યા 9,418 કેસ હતા અને તેમાં 534 મોત હતા. જ્યારે વર્ષ 2019માં આ આંકડો વધીને 12,048 કેસ અને 723 મોત થઇ ગયા છે.
અમદાવાદમાં કયા વર્ષે ટી.બી.ના કેટલા કેસ નોંધાયા ?
વર્ષ |
ટીબી કેસ |
મોત |
2015 |
9,418 |
534 |
2016 |
10,037 |
582 |
2017 |
11,576 |
744 |
2018 |
12,569 |
775 |
2019 |
12,048 |
723 |
કુલ |
55,648 |
3,358 |