ટાટા મોટર્સમાંથી ૫૭ લાખની ચાવીના રિમોટની ચોરી કરનાર ઝડપાયા
ટાટા મોટર્સના કર્મચારીઓની કરતુત
સાણંદમાં ટાટા મોટર્સના વેર હાઉસમાંથી ૪૪૦૦ રીમોટ કી ની ચોરી કરી હતીઃ પાંચ આરોપીઓને સાણંદ જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા
અમદાવાદ
સાણંદ જીઆઇડીસીમાં આવેલી ટાટા મોટર્સના વેર હાઉસમાંથી થોડા દિવસ પહેલા રૂપિયા ૫૭ લાખની કિંમતની ૪૪૦૦ જેટલા ચાવીના રિમોટની ચોરી થઇ હતી. જેમાં પોલીસે ટાટા મોટર્સ સાથે જોડાયેલા ચાર કર્મચારીઓની ધરપકડ કરીને ચોરી કરાયેલો રિમોટનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. ચોરી કરાયેલો મુદ્દામાલ કોઇ ઓટો મોબાઇલ સેક્ટર સાથે જોડાયેલી કંપનીને વેચાણે આપવાની માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલી ટાટા મોટર્સના વેર હાઉસમાંથી ગત ૨૬મી જાન્યુઆરીના રોજ રાતના સમયે કેટલાંક શખ્સોએ ટાટા ટીગોર અને ટીઆગોની કારની ચાવીના ૪૪૦૦ જેટલા ચાવીના રિમાટની ચોરી થઇ હતી. જેની કિંમત ૫૭ લાખ જેટલી હતી. જે અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે સીસીટીવી તપાસતા કેટલાંક લોકો વેરહાઉસની દિવાલ કુદીને નાસતા જોવા મળ્યા હતા. જેના આધારે તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલાએ બાતમીને આધારે કેટલાંક શકમંદોને ઝડપીને પુછપરછ કરી હતી. જેમાં રાકેશ રામસેવક જાલ (રહે.પંચવટી રેસીડેન્સી, વંદે માતરમ રોડ, ગોતા), હિમંત વણઝારા (રહે. ચાંગોદર), પ્રદીપ ધોરડીયા (રહે.વિરમગામ), રાજેશ ધોરળીયા અને કરશન કોળીની પુછપરછ કરતા તેમણે ગુનાની કબુલાત કરી હતી. રાકેશ જાલ ચોરીના કેસનો મુખ્ય સુત્રધાર હતો અને તે ટાટા મોટર્સમાં ચાવીના રિમોટ સપ્લાય કરતી કંપની વતી કામ કરતો હતો. ૨૬મી જાન્યુઆરીએ રજા હોવાથી તેણે ચોરીનું કાવતરૂ રચ્યુ હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાકેશ રૂપિયા ૨૭ લાખની કિંમતની ચાવી માટેના રિમોટ અન્ય
કોઇ ઓટોમોબાઇલ કંપનીને આપવાનો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.