'નહેરુ અધ્ધર ચાલનારા અને આકાશમાં ઉડનારા છે જ્યારે તમારા પગ ધરતી પર હોય છે'
કોર્પોરેશનમાં મહિલા અનામત બેઠક માટેનો પ્રસ્તાવ રજૂ કરનાર સરદાર પ્રથમ વ્યક્તિ હતા
વડોદરા, તા 25 ઓક્ટોબર, ગુરુવાર
ગાંધીજીનું અવસાન થયું તેની પાંચ મિનિટ પહેલા જ મળવા પહોંચેલા સરદાર પટેલને ગાંધીજીએ કહ્યું હતું જવાહર એકલા દેશ નહીં ચલાવી શકે. એ તો અધ્ધર ચાલનાર છે, આકાશમાં ઉડનાર છે, તમારા પગ ધરતી પર હોય છે. પ્રજા આજે પણ તમારો પડયો બોલ ઉપાડશે. આ વાતચીતનો ઉલ્લેખ ગાંધીજીના ભત્રીજાની દીકરી મનુબેન ગાંધીની ડાયરીમાં છે.
એમ.એસ.યુનિ.ની ઈન્સ્ટિટયૂટ ઓફ લિડરશિપ એન્ડ ગર્વનન્સમાં 'ગાંધીજીના ચિરંજીવી' તેમજ 'સરદાર-જવાહરઃ નોખાં અનોખાં' વિષય પર ઈતિહાસકાર ડો.રીઝવાન કાદરીએ કહ્યું કે, મનુબેન ગાંધી અને સરદાર પટેલના બહેન મણીબેન પટેલ બંને ડાયરી લખતા હતા. મનુબેને પોતાની ડાયરીમાં લખેલું છે કે, નહેરુ સ્વપ્નાની દુનિયામાં જીવનારા અને સરદાર વાસ્તવવાદી હતા. આ બંનેની ડાયરીઓ લોકો સુધી પહોંચે તે ખૂબ જરુરી છે. તેમજ નહેરુ પેપરમાંથી રહસ્યમય રીતે ગુમ થયેલા પેપરની શોધખોળ કરવામાં આવે તો વણઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તેમ છે.
ડો.કાદરીએ કહ્યું કે, કોર્પોરેશનમાં મહિલાઓ માટે અનામત બેઠકનો પ્રસ્તાવ રજૂ કરનાર સરદાર પ્રથમ વ્યક્તિ હતા.તેમણે ૧૩ માર્ચ ૧૯૧૯માં અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમા મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કરીને ઠરાવ પસાર કરાવ્યો હતો. જેને માર્ચ ૨૦૧૯માં ૧૦૦ વર્ષ પૂરા થશે.આ જ દિવસે મુંબઈ કોર્પોરેશનમાં મહિલા અનામત બેઠક માટે મૂકેલો પ્રસ્તાવ રદ થયો હતો.