પોલીસ સ્ટેશનમાં લુખ્ખા તલવારો લઇ આવ્યા છે ચાકા નીકાળે છે કન્ટ્રોલ મેસેજથી પોલીસ દોડતી થઇ
અમરાઇવાડી પોલીસકર્મીની ખોટી ઓળખ આપી દારુડીયાએ ફોન કર્યો
અમરાઈવાડીમાં દારુડીયા શખ્સે પોલીસને દોડતી કરી
અમદાવાદ, શનિવાર
અમરાઈવાડીમાં ગઇકાલે રાત્રે દારુડીયા શખ્સે પોલીસને દોડતી કરી હતી. પોલીસકર્મી હોવાની ઓળખ આપી અને પોલીસ સ્ટેશનમાં જ કેટલાંક લોકો તલવાર લઈને આવ્યા છે અને ચાકા નીકાળે છે, આ પ્રમાણેનો પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કર્યો હતો. જેને લઇને અમરાઈવાડી પોલીસની પેટ્રોલિંગની ગાડીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી. આ બનાવના પગલે તપાસ કરતા આવો કોઈ બનાવ બન્યો જ ન હતો તપાસ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા દારુડીયાએ આવો મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જેમના નામથી કંટ્રોલ મેસેજ કર્યો હતો તે પોલીસકર્મીની નોકરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેદી જાપ્તામાં હતી
અમરાઈવાડી પોલીસ સ્ટેશનના કર્ચારીઓ ગઇકાલે શુક્રવારે રાતે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, હું પરેશસિંહ ઝાલા બોલું છું અમરાઈવાડી ડી સ્ટાફમાં છું કેટલાંક લુખ્ખાઓ તલવાર લઇને આવ્યા અને ચાકા નીકાળે છે મને મારવા માટે આવ્યા છે. જે બાદ પોલીસની ગાડી જે પેટ્રોલિંગમાં હતી તે તાત્કાલિક અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચી અને તપાસ કરતા હકીકત જાણવા મળી કે જે વ્યક્તિના નામથી કંટ્રોલ મેસેજ કરવામાં આવ્યો છે તે પોલીસકર્મીની નોકરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેદી જાપ્તામાં નોકરી હતી. બાદમાં આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તપાસ કરી તો પરેશસિંહ ઝાલા તેમની નોકરી પૂરી કરીને રાત્રે ઘરે પરિવાર સાથે હાજર હતા.
જેથી અજાણ્યા શખ્સે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ખોટી માહિતી આપવામાં આવી છે. આવો કોઈ બનાવ બન્યો જ નથી. જેથી જે મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો તેને ફોન કરવા જતા શરૃઆતમાં ફોન ઉપાડયો ન હતો. બાદમાં ટેકનીકલ એનાલિસ કરીને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ અને તેમની ટીમે અમરાઈવાડીમાં રહેતા યુવકની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દારૃના નશામાં હતો અને તે તેમના નામનો ફોન કર્યો હતો તેમને ઓળખતો હતો માટે તેમના નામથી પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કર્યો હતો.