અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, સિવિલમાં દર્દી દાખલ
- આ સિઝનનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો
- બહેચરાજીનો દર્દી સારવાર હેઠળ, સ્વાઇન ફ્લૂના આગમનને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર
હજુ તો શિયાળાની ઠંડી જામી નથી ત્યાં સ્વાઇન ફ્લુએ શહેરમાં પગપેસારો કરી લીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના એક શંકાસ્પદ દર્દીને દાખલ કરાયો છે. આ સિઝનનો પ્રથમ સ્વાઇન ફ્લૂનો કેસ નોઁધાયો છે.
ચોમાસાના ધીમા પગલે વિદાય થયા બાદ પણ હજુય મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી શક્યો નથી.અમદાવાદ શહેરમાં આજેય મેલેરિયા,ડેન્ગ્યુના કેસો વધી રહ્યાં છે. આ પરિસ્થિતીમાં હવે સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે.
અમદાવાદ સિવિલમાં બહેચરાજીના એક દર્દીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે દાખલ કરાયો છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જી.એચ.રાઠોડે જણાવ્યું કે, હજુ આ દર્દીના લોહીના નમૂનાની રાહ જોવાઇ રહી છે ત્યાર બાદ સ્વાઇન ફલૂ છે કે કેમ તે અંગે ખબર પડશે. અત્યારે દર્દી સારવાર હેઠળ છે. હાલમાં સિવિલમાં સ્વાઇન ફ્લૂનો એક જ દર્દી સારવાર હેઠળ છે.
સ્વાઇન ફ્લૂનો સિઝનનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે કેમકે, ગત વખતે સ્વાઇન ફલૂના કેસો વધુ કેસો નોંધાયા હતાં. સ્વાઇન ફ્લૂથી આખાય રાજ્યમાં અમદાવાદમાં મૃત્યુઆંક સૌથી વધુ રહ્યો છે.