20 લાખના એક કરોડ ચુકવ્યા બાદ પણ ધમકી મળતા વેપારીનો આપઘાત
પોતાના 12 માળના બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું : સ્યુસાઈડ નોટને આધારે આનંદનગર પોલીસે તપાસ હાથ ધરીં
અમદાવાદ,બુધવાર
કોરોના વાઈરસને કારણે લોકડાઉનને કારણે લોકોના ધંધા રોજગાર ઠપ થઈ જતા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં વ્યાજખોરોને મોકળુ મેદાન મળી ગયું હોય એમ લોકોને વ્યાજે આપેલા નાણાં ધાકધમકી આપીને વસુલી રહ્યા છે. આનંદનગરમાં રહેતા પ્લાયવુડના વેપારીએ વ્યાજે લીધેલા ૨૦ લાખના એક કરોડ ચુકવ્યા હોવાછતા તેને ધમકી મળતા તેમણે પોતાના બિલ્ડીંગની છત પરથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં જેની પાસેથી નાણાં લીધા હતા તેના નામનો ઉલ્લેખ કર્યો છે. જેને આધારે આનંદનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ આનંદનગરમાં પ્રહલાજનગર સ્થિત કોર્પોરેટ રોડ પર સફલ પરિવેશમાં રહેતા સુશીલભાઈ રામકરણ ટીબરેવાલે(૬૨) ૨૧ જુલાઈના રોજ સવારે પોતાના ૧૨ માળના બિલ્ડીંગની છત પરથી પડતુ મુકીને પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશીલભાઈ સરખેજમાં સાણંદ ચોકડી પાસે હાઈવે એસ્ટેટ કોમ્પલેક્સમાં સ્નેહ ઈમ્પેક્સ નામની પ્લાયવુડની દુકાન ધરાવતા હતા જે તેમનો દિકરો સાકેત સંભાળતો હતો.
સાકેતભાઈના જણાવ્યા મુજબ તેઓ કામથી બહાર ગયા હતા અને બિલ્ડીંગમાં આવીને કાર પાર્ક કરતા હતા. તે સમયે બિલ્ડીંગના કંપાઉન્ડમાં રહીશોનું ટોળુ એકઠું થયેલું હતું. તેમણે અહીં જઈને જોતા તેમના પિતાએ બિલ્ડીંગ પરથી પડતુ મુકીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ અંગે પોલીસને જાણ કરાતા આનંદનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બીજીતરફ સાકંતભાઈએ તેમના પિતાના કબાટમાં તપાસ કરતા તેમણે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે તેમણે પોલીસને આપી હતી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને સ્યુસાઈટ નોટને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ જણાવ્યું હતું. સુશીલભાઈના પરિવારમાં તેમના પત્ની ,પુત્ર, પુત્રવધુ અને પૌત્રનો સમાવેશ થાય છે.
વેપારીએ સ્યુસાઈડ નોટમાં આપઘાતનું કારણ જણાવ્યું
સુશીલ ટીબરેવાલે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેમણે ઓમપ્રકાશ પંજાબી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. મેં ૨૦ લાખપ્પિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા અને એક કરોડ જેટલી રકમ ચુકવી હતી. તેમછતા ઈસ્કોન બ્રિજ પાસે રહેતો ઓમપ્રકાશ પંજાબી વધુ પૈસા માંગતો હતો અને પૈસા ન આપુ તો ઉપરથી ફેંકી દઈશ એવી ધમકી આપતો હતો. તે સિવાય અમદાવાની પોલીસ અને ગુંડા મારા ગજવામાં છે, એવી પણ ધમકી આપતો હતો.આમ મારા મોત માટે ઓમપ્રકાશ પંજાબી જવાબદાર છે, એમ તેમણે સ્યુસાઈડનોટમાં વધુમાં જણાવ્યું હતું.