કોમર્સના વિદ્યાર્થીઓએ ડીનની ઓફિસના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડી દીધું
વડોદરા,તા.31.જાન્યુઆરી,શુક્રવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હજી સુધી વધારાની ફી પાછી આપવામાં આવી નથી.
લગભગ ૨૦ દિવસ પહેલા જ વિદ્યાર્થીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.એ પછી પણ ફી પાછી નહી મળી રહી હોવાથી કોમર્સ ફેકલ્ટીના ક્રિષ્ણા ગૂ્રપ સાથે સંકળાયેલા નિકુલ ભરવાડ અને બીજા વિદ્યાથીઓએ આજે ડીનની ઓફિસની બહાર હંગામો મચાવ્યો હતો.
ડીનની ઓફિસને તાળા હોવાથી વિદ્યાર્થીઓએ ફી પાછી આપવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓની સહીઓ સાથે આવેદનપત્રની નકલો ઓફિસના બારણા પર ચોંટાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, યુનિટ બિલ્ડિંગની ૨૦૦૦ જેટલી બેઠકો હાયર પેમેન્ટ કેટેગરીમાં આવે છે.વર્તમાન શૈક્ષણિક ્રવર્ષની શરુઆતમાં સત્તાધીશોએ આ બેઠકોની ફી વધારી દીધી હતી.જેની સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરુ કરતા ફીમાં ૧૦૦૦ રુપિયા ઘટાડો કરવાની જાહેરાત કરાઈ હતી.જોકે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓએ ફી વધારા સાથેની ફી ભરી દીધી હતી.
હાલમાં વિદ્યાર્થીઓની ફી ૧૩૭૦૦ રુપિયા છે ત્યારે ઘટાડેલી ૧૦૦૦ રુપિયા ફી હજી સુધી વિદ્યાર્થીઓને પાછી મળી નથી.આ રકમ લગભગ ૨૦ લાખ રુપિયા જેવી થાય છે.આ રકમ પાછી લેવા માટે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ આજે ફરી ઉહાપોહ કર્યો હતો.