રાત્રે અકસ્માતથી બચવા ચશ્મા બનાવ્યા, ડ્રાયવરને ઝોકુ આવે તો તુરંત સાયરન વાગે..
વિદ્યાર્થીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખી પાંચ સ્માર્ટ વસ્તુઓ બનાવી
લોકવિજ્ઞાાન કેન્દ્ર ખાતે આયોજિત સાયન્સ ફેરમાં ૨૦ સ્કૂલના વિદ્યાર્થીઓએ ૩૩ પ્રોજેક્ટ રજૂ કર્યા
વડોદરા, તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર
શહેરમાં રોજ કોઈના કોઈ બનાવ બનતા જ રહે છે. ચોરી, અકસ્માત અને બળાત્કાર જેવા બનાવો સામાન્ય થઈ ગયા છે ત્યારે નવરચના વિદ્યાની વિદ્યાલયમાં ધો.૯માં ભણતા વિદ્યાર્થી દર્શ કડકીયા અને પૂજન ટાંકે સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્માર્ટ શૂઝ, કાર, ચશ્મા, લાકડી અને પોકેટ બનાવ્યું છે. આ પ્રોજેક્ટે સાયન્સ ફેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
લોક વિજ્ઞાાન કેન્દ્ર ખાતે ૧૦મો નાનુભાઈ અમીન એવોર્ડ ફોર ઈનોવેટિવ સાયન્સ એક્ઝિબિટ ૨૦૨૦નું આયોજન કરાયું હતું. જેમાં શહેરની ૨૦ શાળાના ૬૦ વિદ્યાર્થીઓએ ૩૩ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી દર્શે કહ્યું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવ તેમજ રાત્રે ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માતના બનાવો વધી ગયા છે જેને ધ્યાનમાં રાખીને અમે બેટરી અને સોલારથી ચાલતા સ્માર્ટ ચશ્મા બનાવ્યા છે. કોઈપણ વાહન ચલાવતા જો ડ્રાઈવરની આંખ બંધ થાય તો તુરંત તેને એલર્ટ કરવા કાનમાં બઝર વાગવા લાગશે જેથી અકસ્માતથી બચી શકશે. બીજી તરફ ઘણા લોકોને ભૂલવાની બીમારી હોય તેમજ કિડનપિંગથી બચવા અમે જીપીએસ સાથેના વાલી અને બાળકો માટે શૂઝ બનાવ્યા છે. ઉપરાંત અંધ લોકો માટે સ્માર્ટ લાકડી અને પ્રદૂષણથી બચવા સ્માર્ટ કાર બનાવી છે. જો કાર કાર્બન મોનોક્સાઈડ હવામાં પ્રોડયુસ કરશે તો તુરંત તેની કારનું એન્જિન લોક થઈ જશે. શહેરમાં કરેલા સર્વેમાં અમને જાણવા મળ્યું કે, રોજ લોકોના ખિસ્સામાંથી ૧૦થી ૧૨ મોબાઈલની ચોરી થાય છે તેના માટે સ્માર્ટ પોકેટ બનાવ્યું છે. પોકેટમાં સેન્સર મૂકવામાં આવશે કોઈ પોકેટમાંથી મોબાઈલની ચોરી કરશે તો તુરંત તેમાં મૂકેલું મશીન વાયબ્રેટ થશે.
ઉલ્લેખનીય છે કે પસંદ કરાયેલા ટોપ ૪ પ્રોજેક્ટના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાાન દિન તા.૨૮ ફેબુ્રઆરીના રોજ પુરસ્કારથી સન્માનિત કરાશે.
ડોક્યુમેન્ટ માટે સ્માર્ટ ટેગ બનાવ્યું
બ્રાઈટ ડે સ્કૂલમાં ધો.૯માં ભણતા વિદ્યાર્થી મિતાંશુ શાહે સ્માર્ટ ટેગ બનાવ્યું, જેને બીજો નંબર મળ્યો હતો. મિતાંશુએ કહ્યું કે, આપણે ક્યારેક ડ્રાઈવિંગ લાયસન્સ કે અન્ય ડોક્યુમેન્ટ ઘરે ભૂલી જઈએ છે અથવા તો ખોવાય જાય છે. ત્યારે મેં સ્માર્ટ ટેગ બનાવ્યું જેમાં દરેક ડોક્યુમેન્ટ સેવ થઈ જાય અને જ્યારે ટ્રાફિક પોલીસ પકડે તો તેની પાસે રહેલા મશીનમાં આ કાર્ડ સ્કેન કરતા તમારા ડ્રાઈવીંગ સહિતની તમામ માહિતી આવી જશે.
લેન્ડફિલ સાઈટને કચરાથી બચાવવા મશીન બનાવ્યું
બ્રાઈટ ડે સ્કૂલના ધો.૧૧માં ભણતા પાંચ વિદ્યાર્થીઓએ લેન્ડ ફિલ સાઈટને કચરાના ઢગલાથી બચાવવા મશીન બનાવ્યું છે. વિદ્યાર્થિની ખુશી સોનીએ કહ્યું કે, કોર્પોરેશન રોડનો કચરો સાફ કરવા અને ઘરનો કચરો એકઠો કરવા બે વાનનો ઉપયોગ કરે છે. જ્યારે અમે એક જ વાન બનાવી જેમાં તે રોડનો કચરો સાફ કરી તેનો એકઠો કરશે અને ઘરનો કચરો એકઠો કરી ભીનો અને સૂકો કચરો અંદર જતા જ અલગ થઈ જશે. જેથી તેને લેન્ડ ફિલ પર નાંખ્યા વગર તુરંત પ્રોસેસ માટે મોકલી દેવાશે. લેન્ડ ફીલમાં કચરો જેટલો ઓછો થશે એટલી ખેતીની જગ્યા પણ મળશે અને વરસાદી પાણી જમીનમાં ઉતરશે.