દારુની પાર્ટી કરનાર વિદ્યાર્થીની યુનિ.ની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોતાના રુમમાં દારુની પાર્ટી કરનારા વિદ્યાર્થીની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
૧૫ ઓગસ્ટના દિવસે હોસ્ટેલના એમ એમ હોલમાં ત્રણ વિદ્યાર્થીઓ દારુની પાર્ટી કરતા પકડાયા હતા.જોકે તેઓ સિક્યુરિટી અને વિજિલન્સને જોઈને ભાગી ગયા હતા.સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઓળખ થઈ હતી.હોસ્ટેલના ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યુ હતુ કે, રુમ નંબર ૩૪માં રહેતા અને દારુની પાર્ટી કરનારા અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થી ક્રિશ યાદવને અને તેની સાથેના બે વિદ્યાર્થીઓને આજે તેમના વાલી સાથે હાજર રહેવા માટે કહ્યુ હતુ પણ તેઓ આવ્યા નથી.હવે તેમને ફરી ૨૧ ઓગસ્ટે બોલાવવામાં આવ્યા છે.ક્રિશ સાથેના બીજા બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી અને તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થી પણ નહીં હોવાનુ અમને જાણવા મળ્યુ છે.ક્રિશ યાદવની પ્રાથમિક પૂરાવાના આધારે હોસ્ટેલમાંથી હકાલપટ્ટીનો નિર્ણય લેવાયો છે.બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવીને સત્તાધીશોને આવેદનપત્ર આપ્યુ હતુ.એબીવીપીનુ કહેવુ હતુ કે , દારુની પાર્ટીની ઘટનાએ વિજિલન્સ અને સિક્યુરિટીની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.રજાના દિવસે સિક્યુરિટી પણ આરામ કરતી હોય તેમ લાગે છે.આ ઘટનાની જવાબદારી સ્વીકારીને ચીફ વોર્ડને રાજીનામુ આપી દેવુ જોઈએ.હોસ્ટેલમાં બીજા પણ ઘણા પ્રશ્નો છે. હોસ્ટેલમાં સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે.હોસ્ટેલનુ વિસ્તરણ કરીને બેઠકો વધારવાની માંગણી પર સત્તાધીશો ધ્યાન આપી રહ્યા નથી.હોસ્ટેલમાં ઘણા બાથરુમના બારણા અને નળ પણ તુટેલા છે.