આયુર્વેદિક કોલેજમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચેનો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો
વડોદરા,તા.2.ફેબ્રુઆરી,રવિવાર,2020
શહેરના પાણીગેટ દરવાજા બહાર આવેલી સરકારી આયુર્વેદિક કોલેજમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચેનો વિવાદ હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોલેજના હોસ્ટેલમાં ચેકિંગ દરમિયાન બે રુમમાંથી સિગારેટના ઠુંઠા મળ્યા બાદ આ બંને રુમને તાળુ મારી દેવાયુ હતુ.આ મામલામાં એબીવીપી દ્વારા કોલેજના કેટલાક વિદ્યાર્થીઓને સાથે રાખીને શુક્રવારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.એ પછી કોલેજમાં અભ્યાસ કરતા સુનિલ ઝાલા નામના વિદ્યાર્થીએ હવે કોલેજના આચાર્ય અને અધ્યાપક સામે પાણીગેટ પોલીસ મથકમાં અરજી આપી છે.
આ અરજીમાં વિદ્યાર્થીએ આક્ષેપ કરીને કહ્યુ છે કે, ૩૦ જાન્યુઆરીએ હોસ્ટેલમાં ચેકિંગ થયુ હતુ અને હું પરીક્ષાની તૈયારી કરતો હોવાથી કોલેજમાં યોજાયેલા હવનમાં પહોંચી શક્યો નહોતો.ચેકિંગમાં આવેલા અધ્યાપક દિપકભાઈએ મને કોલેજમાં નથી ગયો તેમ કહીને ધમકાવ્યો હતો અને પરીક્ષાના ફોર્મ નહી ભરવા દેવાની ધમકી આપી હતી.એ પછી આચાર્ય ભરતભાઈએ પણ શિક્ષકોની તરફેણ કરીને મને ધમકાવ્યો હતો અને મારા પિતાને પણ ફોન કરીને કહ્યુ હતુ કે, તમારા પુત્રનુ ભણવાનુ પુરુ નહી થાય.આના કારણે મારા પિતા પર માનસિક અસર થઈ છે.એક તરફ વિદ્યાર્થીેએ પોલીસમાં અરજી આપી છે ત્યારે આચાર્યનુ કહેવુ છે કે, વિદ્યાર્થીના તમામ આક્ષેપ ખોટા છે અને તેના રુમમાંથી સિગારેટના ઠુંઠા પકડાયા હતા.જેના પૂરાવા તેમજ વિદ્યાર્થીએ તથા એબીવીપીના આગેવાનોએ ઓફિસમાં આવીને કરેલી ગેરવર્તણૂંકનુ રેકોર્ડિંગ કોલેજોનુ સંચાલન કરતા આયુષ વિભાગના નિયામકને મોકલી આપવામાં આવ્યુ છે.