ઝેર કોચલાનું ઝાડ ગુજરાતમાં માત્ર એમ.એસ.યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં જ છે
પશ્ચિમ ઘાટની સહ્યાદ્રીની પર્વતમાળામાં ઉગે છે
બોટનિકલ ગાર્ડનમાં 100થી વધુ પ્રજાતિના 50 વૃક્ષો આવેલા છે
વડોદરા, તા.10 નવેમ્બર 2019, રવિવાર
પશ્ચિમ ઘાટની સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં જોવા મળતું વૃક્ષ ઝેર કોચલું ગુજરાતમાં એકમાત્ર એમ.એસ.યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં જ છે. અને આ વૃક્ષ લગભગ ૧૦૦ વર્ષ જૂનું અને ઘટાદાર છે, એમ, નેચરવોકના સભ્ય ડો.જિતેન્દ્ર ગવલીનું કહેવું છે.
નેચર વોકના સભ્યોએ એમ.એસ.યુનિ.ના બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીના બોટની વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયદીપે કહ્યું કે, બોટનિકલ ગાર્ડનમાં ૧૦૦થી વધુ પ્રજાતિના ૫૦ જેટલા વૃક્ષો આવેલા છે. જેમાંથી આંદ્રખ અને ઝેર કોચલું વિશેષ અને દુર્લભ છે. ડો.ગવલીએ કહ્યું કે, ઝેરી કોચલાના ફળ એટલા ઝેરી હોય છે કે પ્રાણી કે પક્ષીઓ તેના ફળને અડકતા પણ નથી. બીજી બાજુ આ જ ફળના અમુક ભાગનો ઉપયોગ દવાઓ બનાવામાં થાય છે. પેટના વિકાર માટે ઝેર કોચલાના ફળમાંથી બનેલી દવા અકસીર છે.
૧૨૫ વર્ષ જૂનુ આંદ્રખનું વૃક્ષની વિશેષતા એ છે કે શહેરમાં જોવા મળતા આંદ્રખના બીજા ઝાડ કરતા બોટનિકલ ગાર્ડનમાં આવેલું આંદ્રખ સૌથી જૂનું, ઉંચુ અને ઘટાદાર છે. આંદ્રખના વૃક્ષો ગુજરાતમાં વડોદરા સહિત આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને સુરત જિલ્લામાં જોવા મળે છે. નેચર વોકના સભ્યોએ ગાર્ડનમાં રહેલા ઓઈલ પામ, રતનગુંજ, રંગૂન બદામ, લકુચા, રામફળ, હનુમાન ફળ, કોકમ, હંસરાજ અને વિવિધ વેલાઓ વિશે માહિતી મેળવી હતી.