ક-7થી રાંધેજા માર્ગ ઉપર અંધારા ઉલેચાશે રૃા.85 લાખના ખર્ચે સ્ટ્રીટલાઈટ નંખાશે
- કોર્પોરેશનમાં વિસ્તાર ભળી ગયા બાદ સ્થાનિકોની
રજુઆત બાદ ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી શરૃ કરવામાં આવી
ગાંધીનગર, તા.20 બુધવાર 2021
ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને
આસપાસના ૧૮ ગામો સમાવી લેવામાં આવ્યા છે ત્યારે ક-૭થી રાંધેજા ચાર રસ્તા સુધીના માર્ગ
ઉપર સ્ટ્રીટલાઈટના અભાવે રાત્રે અંધકાર છવાયેલો રહેતો હતો. સ્થાનિકોની રજુઆત બાદ કોર્પોરેશન
દ્વારા અહીં સ્ટ્રીટલાઈટ નાંખવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અંદાજે
૮પ લાખ રૃપિયાના ખર્ચે અહીં સ્ટ્રીટલાઈટ નાંખવામાં આવનાર છે.
રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ૧૮ ગામ અને પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. હવે આ વિસ્તારમાં લોકોની તમામ સમસ્યાઓનું સમાધાન કરવાની જવાબદારી કોર્પોરેશનના શીરે છે ત્યારે અવારનવાર કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં બેઠકો કરીને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવી રહયા છે. ખાસ કરીને ક-૭થી રાંધેજા સુધીના માર્ગ હાઈવે હોવા છતાં અહીં સ્ટ્રીટલાઈટના અભાવે રાત્રીના સમયે અંધકાર છવાયેેલો રહેતો હતો અને અકસ્માતની ઘટનાઓ પણ બનતી હતી. જેથી સ્થાનિકોએ અહીં સ્ટ્રીટલાઈટ નાંખવા માટે રજુઆત કરી હતી. જેના અંતે કોર્પોરેશન દ્વારા આ માર્ગ ઉપર સ્ટ્રીટલાઈટ નાંખવા માટેની કામગીરી કરવાનું નક્કી કર્યું છે અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી દીધી છે. અંદાજે ૮પ લાખ રૃપિયાના ખર્ચે ચાર કીમીના માર્ગ ઉપર સ્ટ્રીટલાઈટની કામગીરી શરૃ કરવામાં આવશે અને સ્થાનિકોની વર્ષો જુની સમસ્યાનો અંત આવશે. નોંધવું રહેશે કે કોર્પોરેશન દ્વારા નવા સમાવાયેલા આ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં પાંચ કરોડ રૃપિયા ઉપરાંતના ખર્ચે માર્ગોના નવીનીકરણની કામગીરી પણ શરૃ કરવામાં આવી છે.