ગાંધીનગર તાલુકા પંચાયત માટે જગ્યાની દરખાસ્ત કરાશે
સામાન્ય સભામાં ન્યાય
સમિતિના કો.ઓપ સભ્ય નિમાયા
કોર્પોરેશનની ઓફિસો
નવા ભવનમાં ખસેડાશે પછી બહુમાળી ભવનમાં પ્રથમ અને બીજા માળની માંગણી કરવામાં આવશે
ગાંધીનગર:
ગાંધીનગર તાલુકા પંચાયતના
નવીન ભવન માટે અગાઉ બે વખત સરકારમાં રજુઆત કરવામાં આવી હતી તેમ છતા હજુ સુધી જમીન
ફાળવી નથી ત્યારે આજે મળેલી સમાન્ય સભામાં ફરી દરખાસ્ત અંગે પ્રમુખે ઠરાવ કર્યો
છે. જો કે, આગામી
મહિનાઓમાં ગાંધીનગર કોર્પોરેશનની ઓફિસ નવીન ભવનમાં ખસેડવામાં આવશે ત્યારે બહુમાળી
ભવનના પ્રથમ અને બીજા માળ ગાંધીનગર તાલુકા પંચાયત કાર્યરત થાય તે માટેની માંગણી પણ
કરવામાં આવશે તેવી રજુઆત સભામાં કરાઇ હતી.
ગાંધીનગર તાલુકા
પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી નોંધ
વંચાણે લઇને તેને બહાલ રાખવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા પંચાયતના સામાજિક ન્યાય
સમિતિના કો.ઓપ સભ્ય કે જેમનું મૃત્યું થતા તે જગ્યા ખાલી પડી હતી તે કો.ઓપ સભ્યની
જગ્યા ભરવામાં આવી હતી. આ બાબતે રસિકભાઇ
ઠાકોરે અશ્વિનભાઇ આર. પરમારના નામની દરખાસ્ત કરી હતી જેને ટેકો મળતા અશ્વિનભાઇની
ન્યાય સમિતિના કો.ઓપ સભ્ય તરીકે વરણી થઇ હતી. આ ઉપરાંત સભાના અધ્યક્ષસ્થાનેથી
પ્રમુખ ગોપાળજી ઠાકોરે જિલ્લા પંચાયતની જગ્યા માટે માંગણી કરતો ઠરાવ રજુ કર્યો
હતો. અગાઉ પણ બે વખત જગ્યા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને સરકારમાં પણ આ બાબતે
રજુઆત કરવામાં આવી હતી તેમ છતા હજુ સુધ જગ્યા કે જમીન ફાળવવામાં આવી નથી ત્યારે
આગામી મહિનાઓમાં બહુમાળી ભવનના પ્રથમ અને બીજા માળે કાર્યરત ગાંધીનગર કોર્પોરેશન
તેના સે-૧૭ના નવીન ભવનમાં કાર્યરત થઇ જશે ત્યારે અહીં જગ્યા ખાલી પડશે ત્યારે
બહુમાળી ભવનનના પ્રથમ અને બીજા માળે ગાંધીનગર તાલુકા પંચાયત માટે જગ્યા ફાળવવામાં
આવે તે અંગે પણ માંગણી કરવા માટે તાલુકા વિકાસ અધિકાર જે.એ.ધાંધલીયાએ સભામાં
સદસ્યોને જણાવ્યું હતુ. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં ફર્નીચર પણ જુનું થઇ ગયું છે
તેને બદલવા માટે પણ વહિવટી તંત્રએ સભામાં દરખાસ્ત કરી હતી તેને મંજુર કરવામાં આવી
છે. એટલુ જ નહીં, રાજ્ય
સરકારે શરૃ કરેલી માદરે વતન યોજના અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને
ગામમાં નહીં રહેતા વ્યક્તિઓ પણ ગામના વિકાસમાં કઇ રીતે ભાગીદાર બની શકે તે અંગે
સદસ્યોને જણાવવામાં આવ્યું હતું.