'બેટા, મારૂં ઑક્સિજન લેવલ સુધર્યું છે, વૅન્ટિલેટર પર પણ નથી, એક-બે દિવસમાં રજા આપી દેશે'
- પિતા સાથે છેલ્લે વીડિયો કૉલથી વાત કરી ત્યારે તેઓ સ્વસ્થ હતા : પુત્ર
- હોસ્પિટલના બદલે ત્રાહિત વ્યક્તિનો ફોન આવ્યો 'તમારા પિતા એક દિવસ અગાઉ અવસાન પામ્યા છે'
અમદાવાદ, તા. 11 જૂન, 2020, ગુરૂવાર
અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી થઇ રહેલા મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આ મૃતકોમાં કેટલાક એવા પણ છે જેઓ સાજા થવાને આરે હોય ત્યાં જ તેમનું અવસાન થયાના સમાચાર તેમના સ્વજનોને મળે છે. આવી જ કંઇક દુ:ખદ ઘટના અમદાવાદમાં સ્વ. વિનોદ વાળાના પરિવાર સાથે બની છે. જેમનું કોરોનાથી અવસાન થયું હતું.
સ્વ. વિનોદ વાળાના પુત્ર અશોક વાળાએ કહ્યું કે, 'કોરોનાના લક્ષણને પગલે મારા પિતા વિનોદભાઇ વાળાને 22 મેના રોજ સિવિલની કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારા પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી અમે તેમની સાથે વિડિયો કોલથી સતત સંપર્કમાં હતા.
સારવાર દરમિયાન તેઓ ખૂબ જ પોઝિટિવ હતા અને કાયમ કહેતા કે હવે ઝડપથી સાજો થવામાં જ છું. તેમના મૃત્યુના અગાઉના દિવસે 31 મેના વાત થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે મને આ હોસ્પિટલનું ભોજન સહેજપણ ભાવતું નથી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે ત્યારથી જ ઉપવાસ પર છું તેમ કહી શકાય. સારી વાત એ છે કે ડોક્ટરે મને 1-2 દિવસમાં રજા આપવાનું કહ્યું છે.
મારા પિતા વેન્ટિલેટર પર પણ નહોતા અને છેલ્લે વાત થઇ ત્યારે ઓક્સિજન પણ 98 સુધી થઇ ગયું હતું. જેના કારણે અમે આતુરતાથી એવા ફોનની રાહ જોઇ રહ્યા હતા કે વિનોદભાઇને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. તેઓ ઘરે પરત ફરે ત્યારે તેમનું સ્વાગત કઇ રીતે કરવું તે પણ અમે વિચારી રહ્યા હતા. 1 જૂન-રવિવારના પિતા સાથે સંપર્ક કરવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ તેમની સાથે કોઇ વાત થઇ શકી નહીં.
સોમવારે બપોર સુધી પિતા સાથે સંપર્ક નહીં થઇ શકતાં અમારી ચિંતા વધવા લાગી હતી. મારા એક નીકટના સ્વજન અસારવા સિવિલમાં ફરજ બજાવતા હોવાથી અમે તેમને તપાસ કરવા માટે કહ્યું. તેમણે તપાસ કરી ત્યારે અમને જાણ થઇ કે મારા પિતાનું તો 31 મેના મોડી રાત્રે જ અવસાન થઇ ગયું છે. અવસાનના કલાકો થઇ ગયા હોવા છતાં હોસ્પિટલના તંત્રે અમને જાણ કરવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી.
અમે મૃતદહે લેવા માટે બપોરે 4 કલાકે પહોંચ્યા હતા. પરંતુ રાત્રે 10:30ના મૃતદેહ સોંપ્યો હતો. તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે રાત્રે 12:40થી સિવિલમાં લાઇટ ગઇ હતી અને જેના કારણે પિતાનો જીવનદીપ બૂઝાઇ ગયો હોવાની અમને આશંકા છે.