નડિયાદની કેટલીક ખાનગી શાળાઓ દબાણથી ફી ઉઘરાવતી હોવાની રાવ
- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આવી શાળાઓ સામે પગલાં લેવા માંગ
નડિયાદ, તા.12 જૂન 2020, શુક્રવાર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજરોજ જીલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં સરકારના આદેશ છતાં નડિયાદમાં આવેલી કેટલીક શાળાઓ દ્વારા ફીની સખ્તાઈથી ઉઘરાણી કરાતી હોવાની રજૂઆત કરી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજરોજ જીલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલના સંજોગોમાં દેશ તેમજ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ વાઈરસથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેની અસર શિક્ષણ જગતમાં પણ થઈ છે.
થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા નોટિફીકેશન દ્વારા જાહેર કરેલ છે કે આ મહામારીના કારણે ખાનગી કે અર્ધસરકારી શાળાઓ દ્વારા વાલીઓ ઉપર ફી માટે કોઈ પ્રકારે દબાણ કરવામાં આવશે નહી. તેમ છતાં નડિયાદની કેટલીક શાળાઓ દ્વારા ફી વસૂલવા ભારે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું માલુમ પડેલ છે.
આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડિયાદ દ્વારાનડિયાદની તમામ શાળાઓ દ્વારા સરકારના આદેશ મુજબ વાલીઓ ઉપર ફી વસૂલવા ભારે દબાણ ન કરવામાં આવે તેમજ શાળાઓ દ્વારા સરકારના આદેશનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના પાઠવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.