સૌર ઊર્જા ઇલેક્ટ્રીક વાહનોનો વધુ વપરાશ થાય તે અંગે સરકાર સક્રિય
900 સીએનજી સ્ટેશન શરૂ કરી પ્રદૂષણ અટકાવવા નેમ
17 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો, 12.3 ટન કોલસાની બચત થઇ, ગુજરાતમાં 1.11 લાખ ઘરો પર સોલાર રૂફટોપ
IIM-અમદાવાદ, IIT-ગાંધીનગરના નિષ્ણાતોએ સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ તૈયાર કર્યો
અમદાવાદ : પ્રદુષણ અટકે તેવા હેતુસર સૌર ઉર્જા ઇલેકટ્રિક વાહનોનો વધુને વધુ વપરાશ થાય તે માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 900 સીએનજી ફિલિંગ સ્ટેશન શરૂ કરવા સરકારે લક્ષ્યાંક રાખ્યો છે.
ઉલ્લેખનીય છેકે,સૌર ઉર્જા ઇલેકટ્રિક વાહનોના વપરાશને લઇને સરકારે પોલીસી ય ઘડી છે. વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેચ ચેન્જ લોન્ચ કર્યો હતો. પર્યાવરણ અંગે સ્ટેટ એક્શન પ્લાન બનાવનાર ગુજરાત દેશનું અગ્રિમ રાજ્ય બન્યુ છે.
ગુજરાતમાં કલાયમેટ ચેન્જના પડકારો ઝિલવા રાજ્ય સરકારે લાંબા ગાળાનું આયોજન ઘડયુ છે. તે માટે આઇઆઇએમ અમદાવાદ અને આઇઆઇટી-ગાંધીનગરના તજજ્ઞાોની મદદથી સ્ટેટ એક્શન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ તૈયાર કરવામાં આવ્યો છે.
જોકે, રાજ્ય સરકારે હવે પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે, પર્યાવરણનું જતન થાય અને સૌર ઉર્જા ઇલેક્ટ્રીક વાહનોનો વધુ ઉપયોગ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. સ્ટેટ એક્શન પ્લાન ઓન કલાયમેટ ચેન્જનું વિમોચન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં નવા થર્મલ પાવર શરૂ કરવાની મંજૂરી અપાશે નહીં.
આ ઉપરાંત નવ હજાર મેગાવોટ પવન અને પાંચ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરીને ગ્રીન- ક્લિન એન્વારમેન્ટ સાકાર કર્યુ છે. કલાયમેન્ટ ચેન્જ અને પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતે આગવી પહેલ કરી છે.દેશના કુલ સોલાર રૂફટોપમાં 25 માત્ર ગુજરાતમાં જ છે. રાજ્યમાં 1.11 લાખ ઘરોને સૌર ઉર્જા માં આવરી લેવાયા છે.
17 મિલિયર ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.જયારે 12.3 ટન મિલિયન ટન કોલસાની બચત થઇ છે. હાલમાં 13,574 ટુ વ્હિલર , 305 થ્રી વ્હિલર સૈાર ઉર્જા ઇલેકટ્રિક વાહનો દોડી રહ્યાં છે. ગુજરાત સરકાર એક લાખ સૌર ઉર્જા ઇલેક્ટ્રિક વાહનો રાજ્યના માર્ગો પર દોડે તેવો લક્ષ્યાંક ધરાવે ચે. ગુજરાતમાં આવનારાં દિવસોમાં 30 ગીગાવોટ સૌર ઉર્જા અને પવન ઉર્જાનું ઉત્પાદન કરવો લક્ષ્યાંક રખાયો છે.
ભારત સરકારે કલાયમેટ ચેન્જના નિયત કરેલાં લક્ષ્યાકો અનુસાર ગુજરાતનો સ્ટેટ એકશન પ્લાન આગામી 10 વર્ષ એટલે કે 2030 સુધીના સમયગાળાને અનુલક્ષીને તૈયાર કરાયો છે. કલાયમેટ ચેન્જ એક્શન પ્લાનમાં રિન્યુએબલ એનર્જી , એનર્જી સેવિંગ, વોટર કન્વેર્ઝશન , પશુપાલન, ખેતી અને આરોગ્ય સહિતના બધાય પાસાઓને આવરી લેવાયા છે.