સોલા સિવિલ હોસ્પિટલમાં જ ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી
સોલા સિવિલના હાઉસ કીપીંગના સ્ટાફના કર્મચારીની કરતુત
પીરીયડ મીસ થતા હોવા છંતાય, સગીરાએ ગર્ભ હોવાની વાત માતાથી છુપાવી કાકડીયા હોસ્પિટલના ટોઇલેટમાં બાળકને જન્મ આપીને નીચે ફેંકી દીધું
Updated: Aug 10th, 2023
અમદાવાદ,ગુરૂવાર
સોલાની સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બર ૨૦૨૨ના રોજ પોતાના દાદીનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી સગીરા ત્યાં હાજર હતી તે સમયે હોસ્પિટલના હાઉસ કીપીંગના સ્ટાફ તરીકે કામ કરતા મહેશ ઠાકોર નામના વ્યક્તિએ તેની સાથે શારિરીક સંબધ બાંધ્યો હતો. જે બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો. જે વાત સગીરાએ તેના પરિવારથી છુપાવી હતી અને ચાર દિવસ પહેલા દુખાવો થતા તેને બાપુનગરની કાકડી શહેરકોટડા પોલીસે તપાસ કરતા તમામ હકીકત બહાર આવી હતી. જેના આધારે સગીરાની માતાની ફરિયાદને આધારે સોલા હાઇકોર્ટ પોલીસે પોક્સો હેઠળ બળાત્કારનો ગુનો નોંધીને દુષ્કર્મ આચરીને સગીરાને પ્રેગન્ટ કરનાર મહેશ ઠાકોરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાના દાદાનું ગત નવેમ્બર ૨૦૨૨માં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આંખનું ઓપરેશન હોવાથી તે ત્યાં રાત રોકાતી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં હાઉસ કીપીંગનું કામ કરતા મહેશ ઠાકોરના નામના યુવકે સગીરાની દાદીની મદદ કરવાના બહાને વિશ્વાસ કેળવીને તેનો મોબાઇલ નંબર લઇ લીધો હતો અને ૨૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ તેને રાતના સમયે બોલાવીને શારિરીક સંબધ બાંધ્યો હતો. જો કે આ બનાવના બે મહિના બાદ સગીરાના પિરીયડ મીસ થતા તેને ખ્યાલ આવ્યો હતો કે તે પ્રેગન્ટ છે. પણ તે આ વાત તેની માતા અને પરિવારથી છુપાવી હતી. આ દરમિયાન મહેશે તેને ફોન કરીને મળવા માટે કહ્યું હતું. તેણે મહેશને ગર્ભ રહી ગયો હોવાની વાતની જાણ કરતા મહેશે ફોન કાપી નાખ્યો હતો. બાદમાં સગીરાના શરીરમાં ફેરફાર જણાતા પરિવારજનો પુછતા તે ગેસને કારણે પેટ ફુલ્યુ હોવાનું કહીને વાત ટાળતી હતી. પરંતુ, ગત ૬ ઓગસ્ટના રોજ તેને પેટમાં દુખાવો થતા તેની માતા બાપુનગર ખાતે કાકડીયા હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં તબીબોને સગીરાને ગર્ભ હોવાની શંકા ગઇ હતી. પણ તેણે ગેસ હોવાનું કહીને વાતને સામાન્ય સારવાર માટેની દવા માંગી હતી. જેથી તબીબોએ તેને ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ તેણે કાકડીયા હોસ્પિટલના ટોઇલેટમાં ગઇ ત્યારે દુખાવા બાદ બાળકને જન્મ આપ્યો હતો. જેથી ગભરાઇ જઇને નવજાત બાળકને ટોઇલેટની બારીમાંથી બહાર ફેંકી દીધું હતું અને આ બાબતે કોઇ સાથે વાત કરી નહોતી. પરંતુ, સમગ્ર મામલો શહેરકોટડા પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ કરતા સગીરાનું નામ બહાર આવ્યું હતું અને પોલીસે તેની પુછપરછ કરતા તેની માતા સમક્ષ તેની સાથે બનેલી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેના આધારે પોલીસે મહેશ ઠાકોર વિરૂદ્વ સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સગીરા અને તેના પરિવારનું કાઉન્સીલીંગ કરશે
આ પ્રકારના દુષ્કર્મ કેસમાં સગીરા અને તેના પરિવારની માનસિક
સ્થિતિ પણ જોખમી બનતી હોય છે. ખાસ કરીને સગીરાનું ભવિષ્ય ન જોખમાઇ અને તેના પરિવારજનો
દ્વારા તેને આ માનસિક હતાશામાંથી બહાર લાવવામાં
આવે તે જરૂરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ
જે બી અગ્રાવતે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ સાથે મનોચિકિત્સકની ટીમ સગીરા અને તેના
પરિવારને કાઉન્સીંલ કરશે. તેમની નિયમિત રીતે સેશન લેવામાં આવશે. જેથી તે માનસિક આઘાતમાંથી બહાર આવી શકે.