વડોદરામાં ડામરના રોડ પર સાપ ચોંટી ગયો : આખરે તેને બચાવી સારવાર કરાઈ
વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરાના માંજલપુર વિસ્તારમાં એનિમલ રેસક્યુ ટ્રસ્ટ વોલ્યુન્ટરે ત્રિંકેટ નામના સાપનું રેસ્કયુ કર્યુ હતું. આ સાપ અજાણે ડામરના રોડ પર જતો રહ્યો હતો. આખુ શરીર ડામરના રોડ પર ચોટી જવાના કારણે તે હાલનચલન પણ કરી શકતો ન હતો.
સાપની પરિસ્થિતિ વધુ કથળતા વધુ મદદ માટે જીવદયા પ્રેમીએ 1962 કરુણા એમ્બ્યુલન્સ હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. કોલ થકી જાણ થતાં તરત જ એમ્બ્યુલન્સના ડો. મેઘા શર્મા અને તેમના પાયલોટ કમ ડ્રેસર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.
ડો.મેઘા શર્માએ 40 મિનીટની ભારે જહેમત બાદ સાપના શરીર પર તેલ લગાવીને અને સાપને સહેજ પણ ઇજા ન થાય તેમ ધીમે ધીમે ડામર દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાપને હેમ ખેમ બચાવીને બરાબર સાફ કરવામાં આવ્યો હતો.
સારવાર બાદ સાપ સંપુર્ણ રીતે સ્વસ્થ થાય તે માટે વિશ્વામિત્રી ટાઉનશિપ નજીક ચીમનકાકાની વાડીમાં રાખવામાં આવ્યો હતો. સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.