વડોદરા,તા.6 જુલાઈ 2023,ગુરૂવાર
વડોદરા શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેતા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે. શહેરના અકોટા વિસ્તારમાં બાલકૃષ્ણ રેસીડેન્સી તથા અટલાદરા વિસ્તારની ગ્રીન હેવન સોસાયટીમાં બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલ તસ્કરો લાખો રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણા સહિતની મત્તા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે. બનાવ સંદર્ભે ફરિયાદોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના અકોટા વિસ્તારમાં આવેલી બાલકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા વિધવા 52 વર્ષીય કલ્પનાબેન બ્રહ્મભટ્ટ 2 જુલાઈના રોજ સાંજના સમયે અલકાપુરી ખાતે ખરીદી અર્થે ગયા હતા. રાત્રિના 10:30 વાગ્યાના સુમારે તેઓ પરત ફરતા તેમના મકાનની મુખ્ય દરવાજાની ફ્રેમ તૂટેલ હાલતમાં જણાઈ હતી. ઘરમાં તપાસ કરતાં લાકડાના કબાટના ડ્રોવર બહાર પડ્યા હતા. જેમાં સોનાનું કડું, સોનાની બુટ્ટી, ચાંદીની ચેન, ચાંદીના છડા, એકટીવા, કાર તથા સ્કૂટરના ઓરીજનલ ડોક્યુમેન્ટ તથા રોકડા રૂ. 23 હજાર મળી કુલ રૂ. 97,950ની મત્તાનો સમાવેશ થાય છે.
બીજા બનાવમાં અટલાદરા વિસ્તારમાં સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસેની ગ્રીન હેવન સોસાયટીમાં રહેતા ઉર્વશીબેન વાળા 26 જૂનના રોજ વહેલી સવારે મકાનને લોક કરી નોકરી પર ગયા હતા. રાત્રે 8:00 વાગ્યાના સુમારે તેઓ પરત આવતા મકાનના મુખ્ય દરવાજાનલનું લોક તુટેલ હતું. તપાસ કરતાં બેડરૂમના કબાટના ડ્રોવરમાં મુકેલ સોનાની ચેન, સોનાની વીંટી, ચાંદીનો સેટ તથા ચાંદીનું બ્રેસલેટ મળી કુલ રૂ. 42 હજારની કિંમતના ઘરેણાની ચોરી થયાનું બહાર આવ્યું હતું.
તસ્કરોને મોંઘવારી નડી ; ગોત્રી, ઓપી રોડ, વાસણા ભાયલી રોડ ખાતેના દૂધ કેન્દ્રોમાંથી દૂધના કેરેટોની ચોરી
ગોત્રી વિસ્તારમાં રહેતા ગણપતભાઈ રાઠવા અલકાપુરી આરસીદત રોડ કબીર ગેલેરીની દિવાલ પાસે બરોડા ડેરીનું દૂધ કેન્દ્ર ચલાવે છે. 28 જૂનના રોજ પાંચ કેરેટમાંથી રૂ.3,798 ની કિંમતની 120 નંગ દૂધની થેલી તથા 4 જુલાઈના રોજ રૂ. 4,594 ની કિંમતની 144 દૂધની થેલી ગાયબ હતી. આમ, રૂ 8392 ની કિંમતની 264 નગ દૂધની થેલીઓની ચોરી થઈ છે. તેવી જ રીતે ભાયલી રોડ ખાતે રહેતા મુકેશ મકવાણા વાસણા ભાયલી રોડ દ્વારકેશ પાર્ટી પ્લોટ ની સામે આનંદ વિલા કોમ્પલેક્ષમાં બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવે છે. તેમના દૂધ કેન્દ્ર ઉપરથી રૂ.4,348 ની કિંમતના દૂધની થેલીઓ ભરેલ 6 કેરેટની ચોરી થવા પામી છે. જ્યારે ઓપી રોડ બરોડા હાર્ટની સામે રસ્તા ઉપર બરોડા ડેરીનું દૂધ કેન્દ્ર ચલાવતા બહાદુર ખડગના દૂધ કેન્દ્ર ઉપરથી રૂ.4,348 ની કિંમતના દૂધની થેલીઓ ભરેલ 6 કેરેટની ચોરી થવા પામી છે.


