સ્માર્ટ સિટી ગાંધીનગર ખાડા નગરી : ઠેક ઠેકાણે ખાડા અને ભુવા
પ્રથમ વરસાદે જ વિકાસની પીપૂડીનો પરપોટો ફોડી નાખ્યો : વાહનચાલકો અને લોકો ત્રાહિમામ પોકાર્યાં
પાણી અને ગટર લાઈનની ખોદકામની પ્રવૃત્તિને કારણે રહીશોની મુશ્કેલીમાં વધારો : ખાડા પૂરવા માટે તંત્રની દોડધામ
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ મંથરગતિએ ચાલતી આ કામગીરીને કારણે હવે રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. રવિવાર બપોર શરૃ થયેલા ભારે વરસાદને કારણે શહેરના સેક્ટરોમાં ઠેક ઠેકાણે ખાડા અને ભુવા પડી ગયા છે. તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી આ વરસાદમાં ધોવાઈ ગઈ છે ત્યારે હવે ખાડા અને ભુવા પુરવા માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે.
ગાંધીનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૃપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે. મુખ્ય માર્ગો અને સેક્ટરોમાં ક્યાંય પણ વરસાદમાં પાણી ના ભરાય તે માટે ચોમાસા પહેલા જ આ લાઈનો સાફ કરવા માટે આદેશ આપવામાં આવે છે પરંતુ તે કાગળ ઉપર જ રહી જતા હોય છે. ગાંધીનગરમાં દર ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગોની સાથે આંતરિક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી જ હોય છે પરંતુ આ વખતે સેક્ટરોમાં ચાલી રહેલી પાણી ગટર લાઈનની કામગીરીને કારણે રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગઈકાલે બપોરથી શરૃ થયેલા ભારે વરસાદને કારણે સેક્ટરોમાં માર્ગો બેસી જવાની સાથે ખાડા અને ભુવા પડી ગયા છે. આ સ્થિતિના કારણે રહીશોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેેલ બન્યું છે. એટલું જ નહીં ઘર આગળ પાર્ક કરેલા વાહનો પણ આ ખાડામાં ફસાઈ ગયા છે. સેક્ટર ૧,૨,૩,૪, સેક્ટર ૨૬,૨૮,૨૯ જેવા વિસ્તારોમાં સ્થિતી વધુ વણસી છે. તંત્ર દ્વારા રહીશોની ફરિયાદ બાદ ખાડા પૂરવા માટે દોડધામ કરવામાં આવી રહી છે પરંતુ સતત વરસાદ ચાલુ રહેવાને કારણે હવે કાદવ થઈ જવાથી પરિસ્થિતિ ઠેરની ઠેર થઈ ગઈ છે. માર્ગો ઉપરથી લાઈન પસાર કરવા માટે થયેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરવાને કારણે રિંગ રોડ ઉપર ખાડા પડી ગયા છે. દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન પ્લાન યોગ્ય રીતે કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે પરંતુ તેનું પાલન નહીં થવાને કારણે નાગરિકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાણી અને ગટરનું કામ કરતી એજન્સીને સેક્ટરોમાં યોગ્ય પુરાણ કરવા માટે અનેક વખત તાકીદ કરવામાં આવી છે પરંતુ આ એજન્સી કોઈનું સાંભળવા જ તૈયાર નથી. હાલ શહેરમાં સર્જાયેલી આ સ્થિતિ પાછળ એજન્સીની નબળી કામગીરી છે પરંતુ તેની સામે કડક પગલા ભરવામાં પણ સત્તાધીશો અને અધિકારીઓ કેમ ખચકાઈ રહ્યા છે તે સમજાતું નથી.