સ્માર્ટસિટી ગાંધીનગર ખાડા નગરી બની
પાણી ગટર લાઇનના અણઘડ આયોજનથી
ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થવાને કારણે વરસાદથી ઠેક
ઠેકાણે કાદવ કિચ્ચડ અને ખાડા-કોઇ સેક્ટર સમસ્યાથી બાકાત નહીં
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરને સ્માર્ટસિટીનું બિરૃદ આપવામાં આવ્યું છે. ત્યારે હાલ શહેરના સેક્ટરોની સફર કરવામાં આવે તો સ્માર્ટસિટી કરતા ખાડાનગરી વધુ લાગે તેવી સ્થિતિ સર્જાઇ છે. પાણી અને ગટર લાઇન માટેના અણઘડ આયોજનથી સેક્ટરો તો ખોદાઇ ગયા પણ યોગ્ય પુરાણ નહીં કરવાને કારણે વરસાદ બાદ કાદવ કિચ્ચડ અને ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સેક્ટર-૫,૧૩,૧૪, ૨૧, ૨૬, ૨૭, ૨૮માં વસાહતીઓને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. તંત્ર આ સમસ્યાઓથી હવે શહેરીજનોને ક્યારે મુક્તી અપાવે છે તે જોવું રહ્યું.
ગાંધીનગર શહેરને ૨૪ કલાક પાણીનો પુરવઠો આપવા માટે સ્માર્ટસિટી યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડને કામ આપવામાં આવ્યું હતું અને એજન્સી મારફતે હાલ શહેરમાં પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે તેની સાથે જુની ગટર લાઇન પણ બદલવામાં આવી રહી છે. સેક્ટર-૩૦થી શરૃ થયેલું આ કામ અલગ અલગ સેક્ટરોમાં ચાલી રહ્યું છે. પરંતુ આ બન્ને એજન્સીની બેદરકારીભરી નીતિને કારણે તેનો ભોગ ગાંધીનગરના નાગરિકો બની રહ્યા છે. ગત ચોમાસાને જેમ આ વખતે પણ હવે વરસાદ શરૃ થતાની સાથે જ વસાહતીઓ જાણે પછાત ગામમાં રહેતા હોય તેવો માહોલ ઉભો થઇ જાય છે. હાલ શહેરના સેક્ટર-૫, ૧૩,૧૪, ૨૧,૨૬, ૨૭ અને સે-૨૮માં આ એજન્સીઓએ ખોદેલા ખાડા બાદ યોગ્ય પુરાણ અને માટી હટાવવામાં નહીં આવતા છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે આ વિસ્તારોમાં કાદવ કિચ્ચડ થઇ ગયો છે જેના કારણે વસાહતીઓને ઘરની બહાર પણ નિકળી શક્તા નથી. વાહનો પણ ફસાઇ જાય છે ફરિયાદ બાદ પહોંચેલા તંત્રના જેસીબી પણ ખાડામાં ફસાઇ જતા કામગીરી થઇ શક્તી નથી. સતત વરસાદી ઝાપટાં ચાલુ રહેવાને કારણે કિચડ વધી ગયો છે. જ્યારે તંત્ર દ્વારા કપચી નાંખવામાં આવી રહી છે પરંતુ તેના કારણે સ્થિતિ વધુ બગડી રહી છે. વસાહતીઓ સ્થાનિક કોર્પોરેટરોને રજુઆત કરી રહ્યા છે પરંતુ આ સમાસ્યામાંથી તેમને છુટકારો અપાવવા તંત્ર આગળ આવતું નથી.