(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 24 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
આજે ગુજરાત વિધાનસભામાં સ્મોલ કોઝ કોર્ટ કાયદા (ગુજરાત સુધારા) વિધેયક, 2020 વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂા. 10 લાખથી વધારી રૂ. 25 લાખ કરવામાં આવી હોવાનું કાયદા ખાતાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ સુધારાને કારણે અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, રાજકોટ, સુરત અને વડોદરાની દિવાની કોર્ટના કેસોનું ભારણ ઘટશે. કેસો ઝડપથી ચાલે અને ટૂંકી ન્યાયિક પ્રક્રિયાથી આવા નાના વિવાદોનો ઝડપથી અંત આવે તે માટે આવા કેસો સંક્ષિપ્ત (સમરી ટ્રાયલ પ્રોસેસ) પ્રકારની ન્યાયીક પ્રક્રિયામાં ચલાવવી જરૂરી હોઇ આવા કેસો સ્મોલ કોઝ કોર્ટમાં ચલાવવા કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે.
નવા સુધારાને કારણે લેણાંના દાવાઓ એટલે કે, ર્સહીઅ જેૈા, ભાડા વાધારાના તથા ભાડુઆત અને માલિક વચ્ચેના મિલકતના કબ્જા તથા ભાડાના તથા રૂ. 10 લાખની કીંમતના સમરી દાવા, ઇલેકશન પીટીશનો તથા મ્યુનિસીપલ વેલ્યુએશન અપીલ જેવા કેસો ઝડપથી ચાલી શકશે અને હાલમાં સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત વઘવાથી સીટી સિવિલ કોર્ટ અમદાવાદ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની દીવાની અદાલતોનું ભારણ ઘટશે.
કાયદા ખાતાના રાજ્યકક્ષાના મંત્રીએ ઉમેર્યું કે સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હુકુમત વધવાને કારણે સીટી સિવિલ કોર્ટ, અમદાવાદ અને રાજકોટ, સુરત અને વડોદરાની દિવાની અદાલતોમાંથી રૂ. 25 લાખ સુધીના દાવાઓ સ્મોલ કોઝ કોર્ટમાં તબદીલ થશે. જેના કારણે સીટી સિવિલ અને દીવાની અદાલતમાં વારંવાર અન્ય કેસોના ભારણના કારણે મુદ્દતો પડતી હતી તે નિવારી શકાશે અને પક્ષકારોને સરળતાથી અને ઝડપથી ન્યાય મળશે.
સીટી સિવિલ કોર્ટની તથા દિવાની અદાલતોની કાર્યવાહી કરતાં સ્મોલ કોઝ કોર્ટની સમરી પ્રકારના દાવાની ટ્રાયલ ચલાવવાની કાર્યવાહી ઝડપી હોવાને કારણે સ્મોલ કોઝ કોર્ટમાં કેસોનો ત્વરિત અને સરળતાથી નિર્ણય થઇ શકશે. આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ.


