ભાઇ-બહેનના પ્રેમમાં કોરોના બન્યો વિલનઃ રાખડી મોકલવાનું સંકટ
- અન્ય રાજ્યો-વિદેશમાં રહેતા ભાઇ સુધી રાખડી સમસયર પહોંચશે કે કેમ?
- અનેક રાજ્યોમાં લોકડાઉનને પગલે રેલવે-વિમાની સેવાઓ બંધ હોવાથી રક્ષાબંધનમાં અવરોધ સર્જાશે
અમદાવાદ,શનિવાર
રક્ષાબંધનના પર્વને
હજુ ૧૬ દિવસ કરતા પણ વધુ સમય બાકી છે. આ પવિત્ર દિવસે પોતાના ભાઇનું કાંડુ રાખડી વિના
સૂનું હોય તે કોઇ પણ બહેન જોઇ શકે નહીં. પરંતુ કોરોનાના પગલે પ્રવર્તમાન સ્થિતિમાં
પોતાનાથી અનેક કિલોમીટર રહેતા ભાઇને રાખડી કેવી રીતે મોકલવી અને તે મોકલ્યા બાદ સમયસર
પહોંચશે કે કેમ તેવી મૂંઝવણ બહેનોમાં છે. રક્ષાબંધનનું પર્વ આ વખતે ૩ ઓગસ્ટના સોમવારે
છે.
બહેનોમાં ખાસ
કરીને એવી પણ વધુ મૂંઝવણ છે કે આ વખતે વિદેશની ફ્લાઇટ બંધ છે ત્યારે ત્યાં રહેતા ભાઇને
રાખડી કઇ રીતે પહોંચશે ? આ અંગે એક કૂરિયર કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું કે,
'વિદેશની ફ્લાઇટ બંધ છે પણ કાર્ગો સર્વિસ ચાલુ હોવાથી રાખડી મોકલવામાં વધુ સમસ્યા નહીં
નડે. જોેકે, અમારા માટે મુખ્ય સમસ્યા અન્ય રાજ્યોમાં રાખડી મોકલવાની છે. અમારી પાસે
કોલકાતા-મુંબઇ-પૂણે-બેંગલોર-ચેન્નાઇ મોકલવા માટે અનેક રાખડીઓ આવી રહી છે. આ પૈકી કોલકાતાની
જ વાત કરવામાં આવે તો ત્યાંની ફ્લાઇટ પણ ૩૧ જુલાઇ સુધી બંધ છે અને તેના માટેની ટ્રેન
પણ ગુજરાતથી હજુ જતી નથી. આ સ્થિતિમાં અમારે મુંબઇ કે દિલ્હી ત્યાંથી કોલકાતા સુધી
પાર્સલ મોકલવા અમારે વ્યવસ્થા કરવી પડી રહી છે. આ ઉપરાંત અનેક શહેરો કે રાજ્યોમાં અચાનક
લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવે છે એટલે ત્યાં રાખડી કેવી રીતે મોકલવી તે પ્રશ્ન
રહે છે.'
અન્ય એક કૂરિયર
કંપનીના મેનેજરે જણાવ્યું કે, 'સામાન્ય રીતે રક્ષાબંધનના ત્રણેક સપ્તાહ અગાઉ જ અમારી
પાસે વિદેશમાં મોકલવા માટે રાખડી આવવાનું શરૃ થઇ જાય છે. પરંતુ આ વખતની સ્થિતિમાં રાખડી
મોકલવી કે કેમ તેને લઇને પણ દ્વિધા છે. જેના કારણે આ વખતે હજુ સુધી રાખડી કે ગિફ્ટ
મોકલવાના પાર્સલમાં અગાઉના વર્ષો કરતાં ઘટાડો છે. અમારા દ્વારા કોરોના સંક્રમણના ફેલાય
તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રવર્તમાન સ્થિતિમાં દેશ-વિદેશમાં રહેતા
ભાઇ-બહેનને શક્ય તેટલી ઝડપથી રાખડી-ગિફ્ટ મોકલશે તેટલું જ અમને વધુ ઝડપથી મોકલવામાં
સરળતા રહેશે. ' સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં
જેમને ફાવટ છે તેઓ પ્રવર્તમાન સ્થિતિમાં મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન જ રાખડી કે ગિફ્ટ
મોકલવાના વિકલ્પ પર પસંદગી ઉતારે તેની પૂરી સંભાવના છે.
રાખડી મોકલવા
પોસ્ટ ઓફિસમાં વિશિષ્ટ વ્યવસ્થા
કોરોના મહામારીના
આ પડકારજનક સમયમાં દેશ-વિદેશમાં રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા
કરવામાં આવી છે. આ અંગે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ-ગુજરાત સર્કલે જણાવ્યું છે કે, 'સમયસર
ડિલિવરી નિશ્ચિત કરવા ગ્રાહકોને ૨૫ જુલાઇ સુધી રાખડી મોકલવા અનુરોધ છે. ગુજરાતની અંદર
૨૮ જુલાઇ પહેલા મોકલવા વિનંતી છે. ગ્રાહકો તેમની રાખડી સામાન્ય પોસ્ટ, રજીસ્ટર્ડ પોસ્ટ
કે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકે છે. ગ્રાહકો ઝડપી અને તાત્કાલીક ડિલિવરી માટે સ્પીડ
પોસ્ટની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. ંમોટી પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ માટે અલાયદું
કાઉન્ટર પણ તૈયાર કરાયું છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ
તેના ખુદના રોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા મુખ્ય મથકો સુધી ટપાલ-પાર્સલ મોકલવાની વ્યવસ્થા
ધરાવે છે. ઈએમએસ ઇન્ટરનેશનલ મેઇલ્સ સૌપ્રથમ મુંબઇ અને ત્યાંથી જે-તે દેશમાં ફ્લાઇટની
ઉપલબ્ધતાને આધારે મોકલવામાં આવે છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર પોસ્ટમેન પણ ટપાલ
પહોંચાડતી વખતે પૂરતી તકેદારી રાખે છે. '
રક્ષાબંધનમાં
આ વખતે સમગ્ર દિવસ શુભ મુહૂર્ત
રક્ષાબંધનનું
પર્વ ૩ ઓગસ્ટ-સોમવારે છે ત્યારે ભાઇને કયા સમયે રાખડી બાંધવી વધારે શુભ છે તેના માટે
બહેનોને આ વખતે મુહૂર્ત નહીં જોવું પડે. જ્યોતિષવિદોના મતે આ વખતે રક્ષાબંધને રાત્રે
૯ઃ૧૪ સુધી રાખડી બાંધવા માટે વિવિધ શુભ મુહૂર્ત
છે.