35 લાખની લાંચકાંડમાં PSI શ્વેતા જાડેજાની જામીન અરજી નામંજૂર
- લાંચમાં એક લાખ રૂપિયાનો ફોન પણ લેવડાવ્યો હતો: સરકાર
- સબ ઇન્સપેક્ટર કક્ષાની વ્યક્તિને આવાં ગંભીર આરોપમાં જામીન મળશે તો સમાજ પર વિપરિત અસર પડશે: કોર્ટ
અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાના લાંચ કેસમાં અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્વેતા જાડેજાની કાયમી જામીનની અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. પોલીસ તરફથી રજૂઆત કરી હતી કે આરોપીએ આંગડિયા મારફતે તેમના પરિવારજનોના માધ્મયથી લાંચ તેમજ એક લાખ રૂપિયાનો ફોન લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કેસની તપાસ સંવેદનશીલ તબક્કામાં હોવાથી આરોપીને જામીન આપવા યોગ્ય નથી. એ.સી.બી. કોર્ટના સેશન્સ જજ સી.એસ. અધ્યરૂએ જામીન અરજી ફગાવતા નોંધ્યું છે કે પોલીસ સબ ઇન્સપેક્ટર કક્ષાની વ્યક્તિને આવાં ગંભીર આરોપમાં જામીન મળશે તો સમાજ પર વિપરિત અસર પડશે.
આરોપી પોલીસ અધિકારી શ્વેતા જાડેજા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે લાંચ સ્વીકારતા તેમની ધરપકડ થઇ નથી તેમજ રકમ નાની હોવાથી તેને જામીન મળવા જોઇએ. અત્યારની ફરિયાદ ઉપજાવી કાઢેલી હોય તેવું લાગી રહ્યું છે. એન્ટિ કરપ્શન બ્યુરોને જૂન મહિનામાં ફરિયાદ મળી હતી અને તેની ધરપકડ બીજી જુલાઇના રોજ કરવામાં આવી છે.
ધરપકડ અને કાર્યવાહીમાં મોડું શા માટે થયું તે અંગેનું કારણ તપાસ અધિકારીઓ આપી શક્યા નથી. ફરિયાદી એવું કહી રહ્યો છે કે તેણે લાંચ આપવા 15 લાખ ઉપાડયા હતા અને 20 લાખ રૂપિયા આંગડીયા દ્વારા મોકલવામાંઆવ્યા હતા. બાકીના પાંચ લાખ ક્યાંથી આવ્યા તેની સ્પષ્ટતા ફરિયાદમાં કરવામાં આવી નથી.
એન્ટિ કરપ્શન બ્યુરો તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શ્વેતા જાડેજાએ તેના ભાઇ અને અન્ય પરિવારજનો દ્વારા આંગડિયા મારફતે લાંચ મગાવી છે.
દુષ્કર્મના આરોપી સામે પાસા લાગુ કરવા તેમણે સત્તામંડળ સમક્ષ કોઇ અરજી કરી હોવાનું જણાઇ આવતું નથી, છતાં આ આરોપીને પાસામાં ધકેલવાનો ડર દર્શાવી લાંચ માગવામાં આવી છે. આ ઉપરાંત તેઓ જે ફોન વાપરતા હતા તે ફોન રૂપિયા 1.12 લાખનો હતો અને દુષ્કર્મના આરોપીની કંપની તરફથી આ ફોન ખરીદવામાં આવ્યો હતો.આરોપી ખુદ પોલીસ અધિકારી છે અને કાયદાની પ્રક્રિયાના જાણકાર છે.
સમાજમાંથી ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવાની તેમની પ્રાથમિક ફરજ હોવા છતાં તેમણે આ ફરજથી વિમુખ થઇ ભ્રષ્ટાચાર આચર્યો છે. જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છે અને ભ્રષ્ટાચારને વેગ મળે તેમ છે.આ ઉપરાંત કેસની તપાસ અત્યારે સંવેદનશીલ તબક્કા પર છે અને પુરાવાઓ એકત્ર કરવાના બાકી છે. કોર્ટ દ્વારા બન્ને પક્ષોની રજૂઆત ધ્યાને લઇ જામીન અરજી ફગાવવામાં આવી છે.