વડોદરા,સોમવાર
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્રને રજૂ કરતા ગ્રંથ 'સાગર કથા'ને ગિનિશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.
તા.૧૦ જુન, ૨૦૧૧ના રોજ કુંડળધામમાં પ.પૂ. શ્રીજ્ઞાાનજીવનદાસજી સ્વામી દ્વારા આ 'સાગર કથા'ની શરૃઆત કરવામાં આવી હતી. આ ગ્રંથની ૧ થી ૨૦ પૂર સુધીની કથાનો લાભ પૂ. જ્ઞાાનજીવનદાસજીએ આપ્યો હતો. અને બાકીના ૯ પૂરની કથાનો લાભ પૂ.શ્રીઈશ્વરચરણદાસજી સ્વામીએ આપ્યો હતો. આ કથાનું દેશ-વિદેશમાં લાઇવ બ્રોડકાસ્ટ થયુ હતું તા.૨૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ 'સાગર કથા'ની પૂર્ણાહુતિ થઈ હતી તે પ્રસંગે 'સાગર કથા'ની ઓડિયો બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ એટલે કે કુલ ૨૩૩૨ દિવસ સુધી ચાલેલી આ કથાના કુલ ૨૪૪૦ કલાક, ૪૪ મિનિટ અને ૫૨ સેકંડનો ઓડિયો રેકોર્ડ થયો છે. આ ઓડિયો રેકોર્ડને 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં 'લોન્ગેસ્ટ ઓડિયો બુક' તરીકે સ્થાન મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સદ્ગુરુ શ્રીઆધારાનંદ સ્વામી રચિત 'શ્રીહરિચરિત્રામૃત સાગર' ભગવાન શ્રીસ્વામિનારાયણનાં જીવનચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-સોરઠા-ચોપાઇઓ છે. આ ગ્રંથને ગત વર્ષે જ ટિટેનિયમ ધાતુમાં કંડારવામાં આવ્યો છે કે જેથી તે સદીઓ સુધી સુરક્ષિત રહે. આટલો મોટો ગ્રંથ ટાઇટેનિયમમાં કંડારવામાં આવ્યો હોય તેવી ઘટના પણ પહેલી હોવાથી એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યુ છે


