દુકાનો બંધ થઇ જતા ઘેર જઇને હેર કટિંગ કરતા દુકાનદારો
થોડા પૈસાની લાલચમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકતા દુકાનદારો ઃ નિયમો ઘડી છુટછાટ આપવા માંગણી
વડોદરા, તા.18 એપ્રિલ, શનિવાર
લોકડાઉનમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં મુક્તિ છે પરંતુ હેર કટિંગ સલૂન આવશ્યક સેવામાં આવતી નહી હોવાથી તેને બંધ રાખવામાં આવે છે. આવા સંજોગોમાં દયાજનક સ્થિતિમાં મુકાઇ ગયેલા અનેક દુકાનદારો ઘેર ઘેર જઇને કામ કરવા મજબૂર બન્યા છે જે જોખમકારક છે જેથી કેટલાંક નિયમો મુજબ આ દુકાનો ખુલ્લી રાખવા માટેની માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસના ફેલાવાની મહામારી ચાલી રહી છે. આ ચેપી રોગ વચ્ચે વડોદરામાં લોકડાઉનના કારણે હેર કટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો તેમજ દુકાનદારો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. આ પૈકીના કેટલાક કારીગરો થોડા પૈસાની લાલચમાં અથવા પોતાનું ઘર ચલાવવા માટે લોકોના ઘેર કામ કરવા માટે જતા હોય છે. આ ગેરકાનૂની કામ કરનાર કારીગરો સોસાયટી તેમજ પોતાના પરિવારને અને પોતે પણ ભયાનક બીમારી ફેલાવીને અથવા ભોગ બનીને ખુબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે.
શહેરના કેટલાંક દુકાનદારોએ આ અંગે કલેક્ટરનુ ધ્યાન દોરી જણાવ્યું છે કે આ પ્રકારનું ગેરકાયદે કામ કરનાર તત્વો વિરુધ્ધ યોગ્ય કડક કાર્યવાહી કરવી જોઇએ અથવા અલગ અલગ વિસ્તારો પસંદ કરી જે તે વિસ્તારમાં આવેલી હેર કટિંગ સલૂનની દુકાનો નિયમો મુજબ કામ કરી દુકાનદારોને કેટલાંક કલાકો સુધી દુકાન ખુલ્લી રાખી શકે તેવી મંજૂરી આપવી જોઇએ.