Get The App

૮૮ કિ.મી. લાંબી પાઇપલાઇન નંખાઇ વડોદરાના દક્ષિણના કરજણ અને શિનોરના ગામોને નર્મદાનું પાણી મળશે

સાડા પાંચ લાખથી વધુ લોકોને પીવાનું પાણી ડિસેમ્બરના અંત સુધીમાં મળતું થઇ જશે

Updated: May 4th, 2023

GS TEAM

Google News
Google News
૮૮ કિ.મી. લાંબી પાઇપલાઇન નંખાઇ  વડોદરાના દક્ષિણના કરજણ અને શિનોરના ગામોને નર્મદાનું પાણી મળશે 1 - image

વડોદરા, તા.૪ વડોદરા શહેરથી દક્ષિણ વિસ્તારના ગામો ઉપરાંત કરજણ અને શિનોર તાલુકાના સાડા પાંચ લાખથી પણ વધુ લોકોને પીવાનું પાણી આપવા માટે રૃા.૧૮૪ કરોડના ખર્ચથી નાંખવામાં આવી રહેલી બલ્ક પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત પાદરા, સાવલી અને ડેસર તાલુકાના ગામો માટે ચાલી રહેલી પાણી પુરવઠા યોજનાઓ આગામી વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થતાં વડોદરા જિલ્લાને સો ટકા સરફેસ પાણી મળતું થઇ જશે.

વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને વડોદરા દક્ષિણ વિભાગના ગામોમાં હાલ પાતાળ કૂવા આધારિત સ્વતંત્ર કે જૂથ યોજના દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી આપવામાં આવે છે. તેમના માટે પાણી પુરવઠાની વડોદરા બલ્ક પાઇપ લાઇન યોજનાના કુલ બે પેકેજ હેઠળ નર્મદાનું પાણી નાખવા માટે લાઇન બિછાવવાની કામગીરી પૂર્ણ થઇ છે. પ્રથમ પેકેજમાં નર્મદા મેઈન નહેરની ૮૧.૮૧ કિ.મી.ની સાંકળેથી નીકળતી વડોદરા બ્રાંચ કેનાલના ગુતાલ ગામ પાસેના પ્રથમ પુલ આધારિત વાઘોડિયા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. મેઈન પાઈપલાઈન મારફતે વડોદરા (દક્ષિણ) વિભાગ, કરજણ જુથ પાણી પુરવઠા અને શિનોર જુથ પાણી પુરવઠા યોજનાના ૩ મુખ્ય હેડવર્ક્સ સુધી પાણી ૬ પમ્પ દ્વારા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેકેજથી બીજા પેકેજ સુધી ૩૯ કિ.મી. લાંબી પાઇપ લાઇન નાંખવામાં આવી છે.

અંતિમ તબક્કાની કામગીરીમાં ૫,૫૦,૪૨૧ વ્યક્તિને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં પાણી મળશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ઉપરાંત રૃા.૧૩૨ કરોડના ખર્ચથી પાદરાને મહીસાગરનું પાણી આપવા માટેની યોજના માર્ચ-૨૦૨૪ સુધી પૂર્ણ કરવાની તૈયારી છે.