અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022,શુક્રવાર
ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે હવે ૧૫ મિનિટ રોકાશે. આ ટ્રેનના ૯૦ ટકા મુસાફરો અમદાવાદથી બેસે છે અને ટ્રેન ફક્ત પાંચ મિનિટ જ રોકાતી હોવાથી ધક્કામુક્કી, અફરા-તફરી જેવો માહોલ સ્ટેશને સર્જાતા અકસ્માતનો ભય રહેલો હતો .ટ્રેનમાં ચઢવાની અપાર અસુવિધાઓને લઇને મુસાફરોની વ્યાપક ફરિયાદો બાદ આખરે રેલવેતંત્રે અમદાવાદ સ્ટેશને ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે.
ટ્રેન નં. ૧૨૦૦૯/૧૦ મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં પશ્ચિમ રેલવે દ્વારા સુધારો કરાયો છે. આ સુધારો તા.૨ માર્ચ ૨૦૨૨થી અમલી બનશે. ટ્રેન નંબર ૧૨૦૦૯ મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપીટલ ૧૨ઃ૨૨ કલાકને બદલે હવે ૧૨ઃ૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. અને ૧૨ઃ૩૭ કલાકને બદલે ૧૨ઃ૩૦ કલાકે અમદાવાદથી ઉપડીને ૧૩ઃ૪૦ કલાકે ૧૩ઃ૨૫ કલાકે ગાંધીનગર પહોંચશે.
પરતમાં ટ્રેન નં. ૧૨૦૧૦ ગાંધીનગરથી ૧૪ઃ૨૦ કલાકને બદલે ૧૪ઃ૦૨ કલાકે ઉપડશે. આ ટ્રેન ૧૫ઃ૦૦ કલાકને બદલે હવે ૧૪ઃ૫૦ કલાકે જ અમદાવાદ સ્ટેશને આવી જશે. અને ત્યાંથી ૧૫ઃ૦૫ કલાકે અમદાવાદથી ઉપડશે. મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને ટ્રેનના આગમન અને ઉપડવાના સમયમાં કોઇ ફેરફાર થશે નહીં.


