Get The App

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનપદે શામળજી પટેલ

- ભાજપના મેન્ડેટથી જેઠા ભરવાડને સ્થાને વાઈસ ચેરમેનના હોદ્દા પર કચ્છ ડેરીના વાલમજી હુંબલને પસંદ કર્યા

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનપદે શામળજી પટેલ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સમરસ થયેલી ચૂંટણીમાં ચૅરમૅન તરીકે સાબર ડેરિટાના શામળજી પટેલ અને વાઈસ ચૅરમૅન તરીકે કચ્છ ડેરીના વાલમજી પટેલની વરણી કરવામાં આવી છે. અઢી વર્ષથી ચૅરમૅન તરીકે રામસિંહ પરમાર અને  પાંચ વર્ષથી વાઈસ ચૅરમૅન તરીકે પંચમહાલ ડેરીના  જેઠા ભરવાડ સેવા આપી ર હ્યા હતા.  

જોકે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની કામગીરીમાં ભાજપની  વધુ પડતી  દખલને પરિણામે ગુજરાતના સૌથી મોટા ડેરી સંઘમાં ચૅરમૅનના હોદ્દા મેળવવામાં હવે બહુ ઓછા લોકોને રસ પડી રહ્યો હોવાની વાતો પણ હવે ચર્ચાવા લાગી છે.

બનાસ ડેરીના ચૅરમૅન શંકરભાઈ ચૌધરીએ ચૅરમૅન પદ માટે શામળજી પટેલનું અને જેઠા ભરવાડે વાઈસ ચૅરમૅનના હોદ્દા માટે કચ્છડેરીના વાલમજી હુંબલના નામની દરખાસ્ત મૂકી હતી અને  સર્વાનુમતે બંને નામને સમર્થન મળ્યું  હતું.

ગુજરાતમાં બનાસડેરીનો વહીવટ સૌથી મોટો છે. તેથી શંકરભાઈ ચૌધરીએ જીસીએમએમએફના ચૅરમૅન બનવામાં રસ દાખવ્યો હતો. પરંતુ પક્ષના મોભીઓએ તેમને અત્યારે ચૅરમૅન પદથી દૂર રાખ્યા છે. તેથી તેમની પાસે જ ચૅરમૅનના હોદ્દા માટે શામળજી પટેલના નામની દરખાસ્ત મૂકાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 

ભારતીય જનતા પાર્ટીના મોભીઓએ આપેલા મેન્ડેટને લઈને ગયેલા આઈ.કે. જાડેજાએ આપેલા મેન્ડેટને અનુસરીને ચૅરમૅન અને વાઈસ ચૅરમૅનના હોદ્દા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવી હતી.

આ સાથે જ ભાજપના મોભીઓએ તેમના માનીતા ગણાતા બંનેને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચૅરમૅન અને વાઈસ ચૅરમૅનના હોદ્દા પર ગોઠવી દીધા છે. ચૅરમૅન અને વાઈસ ચૅરમૅનના હોદ્દા બર આ વખતે બે નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

આમ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પર ભારતીય જનતા પાર્ટીની મજબૂત પકડ આવી જતાં ગુજરાતના સહકારી ક્ષેત્ર પર ભાજપની પકડ મજબૂત બની રહી હોવાના નિર્દેશ મળી રહ્યા છે.  અમૂલ સહિત ગુજરાતની 18 ડેરીના ઉત્પાદનોના માર્કેટિંગની કામગીરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કરે છે.

દરેક ડેરી દ્વારા સપ્લાય કરવામાં આવતા દૂધના જથ્થા પ્રમાણે તેમના મતનું વેઈટેજ ગણવામાં આવે છે. તેની ચૂંટણી આજે બપોરે બાર વાગ્યે પ્રાન્ત અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાઈ હતી. આમ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં આજ સુધી માત્ર ને માત્ર સિલેક્શનથી જ ઉચ્ચ હોદ્દા પર નિયુક્તિ પામે છે. આજ સુધી ચૂંટણી થઈ જ નથી.

આ ચૂંટણીમાં 18 ડેરીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરને તથા જિલ્લા રજિસ્ટ્રારને મત આપવાનો અધિકાર છે. આ સંજોગોમાં ચૂંટણી થાય તો પણ ભાજપના સમર્થનથી ઊભા કરવામાં આવેલા ઉમેદવારોનો વિજય નિશ્ચિત જ હતો. કારણ કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંકળાયેલી 18 ડેરીમાંથી 17 ડેરીમાં ભાજપના ચૅરમૅન છે.

મહેસાણા ડેરીના વિપુલ ચૌધરી ભાજપ સામે પડયા હોવાથી તેમની ડેરીમાંથી કોઈને સ્થાન મળે તેવી સંભાવના જ નહોતી.  સહકારી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ શામળજી પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નિકટના ગણાય છે. કડવા પાટીદાર સમાજામાંથી તેઓ આવી રહ્યા છે. તેમના 1979થી પીપોદરા સહકારી મંડળીથી જાહેર જીવનમાં જંપલાવ્યું હતું.

આજ સુધીમાં તેઓ દૂધ સહકારી સંસ્થાઓમાં અને કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં જુદાં જુદાં હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા ચે. વઆઈસ ચૅરમૅનના હોદ્દા પર નિમણૂક પામેલા વાલમજી હુંબલ કચ્છ ડેરીના ચૅરમૅન છે. તેઓ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને અંજાર એપીએમસીના ચૅરમૅન તરીકે પણ સેવા આપી રહ્યા છે. દૂધ ઉત્પાદક સંઘમાં તેમનું યોગદાન ઘણું જ સારૂ છે. તેમને કચ્છના કુરિયન તરીકે બિરદાવવામાં આવી રહ્યા છે. 

અઢી વર્ષથી ચૅરમૅનના હોદ્દા પર સેવા આપી રહેલા રામસિંહ પરમારને આ વખતે કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તેમને જીસીએમએમએફના ચૅરમૅન બનાવવાનું વચન આપવામાં આવ્યુ હતું. આ વચન પાળીને અઢી વર્ષની એક ટર્મ માટે તેમને જીસીએમએમએફના ચૅરમૅન તરીકે એક ટર્મ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

જોકે કોન્ગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પછી ઠાસરાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા ત્યારે રામસિંહ પરમારે હારનો સામનો કરવો પડયો હતો. ઠાસરાની બેઠક પરથી અગાઉ તેઓ સતત છ ટર્મ માટે ચૂંટણી જીત્યા હતા. ભાજપમાં જોડાયા હોવા છતાંય તેમણે કોન્ગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે ખાસ્સી નિકટતા કેળવી રાખી હોવાથી તેમને ફરીવાર ચૅરમૅન બનાવવામાં આવ્યા નથી.

Tags :