હેમંત ચૌહાણ બંકિમ પાઠક સહિતના અનેક ગુજરાતી કલાકારો તથા અભિનેત્રીઓ ભાજપમાં જોડાયા
- ભાવનાબેન લાબડીયા, સંગિતાબેન લાબડીયા, બિહારીભાઇ હેમુભાઇ ગઢવી, ધનરાજ ગઢવી, અમુદાન ગઢવી, કિરિટદાન ગઢવી, શ્યામલ મુન્શી-સૌમિલ સહિતના કલાકારોને ભાજપનો ખેસ પહેરાવાયો
ગાંધીનગર, તા. 19 ઓગસ્ટ 2019, સોમવાર
ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ કોબા, ગાંધીનગર ખાતે વિશ્વવિખ્યાત એવા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપમાં જોડાયા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિશ્વવિખ્યાત એવા લોકગાયક હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, શ્રીમતી ભાવનાબેન લાબડીયા, સંગિતાબેન લાબડીયા, બિહારી હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી કિરિટદાન ગઢવી, શ્યામલ મુન્શી- સૌમિલભાઇ સહિત ગોપાલ બારોટ, બ્રિજરાજ લાબડીયા, બટુકભાઇ ઠાકોર, શશીભાઇ પારેખ, જીતેન્દ્ર ઠક્કર, રાજેશ ઠક્કર, ડૉ. વિક્રમ પંચાલ, લોકગાયક સુખદેવ મંગળસિંહ ઝાલા, ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા શૈલેષ ગૌસ્વામી (મોરલો) તથા અભિનેત્રી ઝીલબેન જોષી સહિત ઉપસ્થિત સૌ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત ભાજપમાં આવકાર્યા છે.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, હાલ સમગ્ર દેશ તથા ગુજરાતમાં ભાજપના સંગઠન પર્વ-2019 અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં ભારતીયને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે ત્યારે વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપની રાષ્ટ્રપ્રથમ તથા ‘સર્વજન સુખાય સર્વજન હિતાય’ની વિચારધારાથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ કલાજગત તથા વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
વાઘાણીએ જણાવ્યું હતુ કે, આપણો દેશ વિશ્વગુરૂના સ્થાને બિરાજે તેવા સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણી ધરોહરને સાથે રાખીને દેશ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ભાજપની ‘રાષ્ટ્રપ્રથમ’ની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને સૌ ભાજપમાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ભાજપ એ કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે ત્યારે હું તેમને ભાજપ રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારૂં છું.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા ગુજરાતના સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તથા ભાજપ મીડિયા સેલના કન્વીનર પ્રશાંતભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.