FOLLOW US

50 ટકા મિલકત વેરો વધારવાના નિર્ણય સામે વસાહતીઓમાં રોષ

Updated: Jan 22nd, 2023


ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં

સામાન્ય સભામાં વેરા વધારાની દરખાસ્ત પરત ખેંચવામાં નહીં આવે તો વસાહત મહાસંઘ સહિતના સંગઠનો આંદોલન કરશે

ગાંધીનગર :  રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રહેણાંક અને કોમશયલ એકમોમાં ૫૦% સુધી મિલકત વેરો વધારવાના નિર્ણય સામે હવે વસાહતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી સામાન્ય સભામાં વેરા વધારાની આ દરખાસ્ત પરત ખેંચવામાં નહીં આવે તો શહેર વસાહત મહાસંઘ સહિત અન્ય સંગઠનો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વેરા વસૂલવાનું શરૃ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૧ સુધી તો નાગરિકો ફક્ત પાણી અને ગટર વેરો જ ભરતા હતા પરંતુ કોર્પોરેશન આવ્યા બાદ મિલકત અને સફાઈ વેરો વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં પણ સમયાંતરે વધારો કરવામાં આવતો રહે છે. ત્યારે હજી કોર્પોરેશન દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં યોગ્ય સુવિધાઓ પહોંચતી કરવામાં આવી નથી તે પહેલા મિલકત વેરામાં ૫૦% સુધી વધારો કરવા સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જેને પણ ગઈકાલે સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. જેના કારણે ગાંધીનગરના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેર વસાહત મહાસંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયા બાદ મિલકત વેરા વધારાની આ દરખાસ્ત યોગ્ય નથી. ગાંધીનગર શહેરમાં ભાજપને ૪૪ માંથી ૪૧ બેઠકો ઉપર વિજય મતદારોએ અપાવ્યો છે ત્યારે મિલકત વેરા વધારોએ નાગરિકો સાથે વિશ્વાસઘાત સમાન સાબિત થશે.

આગામી સામાન્ય સભાની અંદર આ મિલકત વેરા વધારાની દરખાસ્તને પરત ખેંચવામાં નહીં આવે તો નાગરિકોને સાથે રાખીને આંદોલન કરવાની પણ ફરજ પડશે. ગાંધીનગર શહેર ઉપરાંત નવા ઉમેરાયેલા અઢાર ગામ અને પેથાપુર પાલિકા વિસ્તારના નાગરિકો પણ મિલકત વેરાના વધારાની દરખાસ્ત સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી મિલકત વેરા વધારા સામે આગામી સમયમાં મસ મોટું આંદોલન શરૃ થાય તો નવાઈ નહીં. ગઈકાલે કોર્પોરેશનના વિપક્ષના નેતાએ પણ મિલકત વેરા વધારવા સામે સામાન્ય સભામાં વિરોધ નોંધાવાની જાહેરાત કરી હતી.

Gujarat
English
Magazines