બ્રિટિશ ઈન્ડિયા રાજ્યો કરતા બરોડા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઊંચો હતો
મહારાજા સયાજીરાવે પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવ્યું હતું- સ્ત્રીઓ શિક્ષણમાં આગળ આવે તે માટે સ્કોલરશિપ આપતા હતા
વડોદરા, તા.6 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
૧૫૦ વર્ષ પૂર્વે ભારતમાં બ્રિટિશરો જે રાજ્યો ઉપર રાજ કરતા તેના કરતા બરોડા રાજ્યનો સાક્ષરતાનો દર ખૂબ ઊંચો હતા. પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવનાર મહારાજા સયાજીરાવ દેશના પ્રથમ રાજવી હતા. ભારતમાં આદિવાસી સમુદાયના બાળકો માટેની પ્રથમ શાળા બરોડા રાજ્યમાં બની હતી.સ્ત્રીઓ શિક્ષણમાં આગળ વધે તે હેતુથી સ્કોલરશિપ પણ આપતા હતા, તેમ એમ.એસ.યુનિ.ના પોલિટિકલ વિભાગના પ્રો.અમિત ધોળકિયાનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ના હિસ્ટ્રી વિભાગ તેમજ સયાજી પ્રતિષ્ઠાન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય તા.૬ અને ૭ ફેબુ્ર. 'મહારાજા સયાજીરાવની રાજકીય, આર્થિક અને સામાજિક પોલિસી' વિશે રાષ્ટ્રીય સેમિનાર રાખવામાં આવ્યો છે. ઈન્સ્ટિટયૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સના એચ.કે.અગ્રવાલ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલા સેમિનારમાં પ્રો.ધોળકિયાએ કહ્યું કે, મોટાભાગે બ્રિટીશરોનું રાજ હતું તેના સમયનો જ અભ્યાસક્રમમાં સૌથી વધુ ઉલ્લેખ છે તેની સરખામણીમાં રજવાડાઓની રાજકીય અને આર્થિક વ્યવસ્થાનો ઉલ્લેખ ઘણો ઓછો છે.
જેથી વિદ્યાર્થીઓ આધુનિક ભારતની સમજ કેળવી શક્તા નથી. મહારાજા સયાજીરાવ રાજાશાહી હોવા છતાં લોકશાહીનું મહત્વ સમજતા હતા. તેમણે વિવિધ સામાજિક દૂષણોને દૂર કર્યા હતા. સ્વતંત્રતાની ચળવળમાં પણ તેઓનું યોગદાન ખૂબ છે. પૂનામાં રહેલો પોતાનો ગાયકવાડ વાડો રાજકીય પ્રવૃત્તિ માટે લોકમાન્ય ટીળકને દાનમાં આપી દીધો હતો.
જેટલા વૃક્ષ વાવશો એટલો ટેક્સ માફ કરીશ
આણંદ એગ્રીકલ્ચર યુનિ.ના બીએ કોલેજના ડીન ડો.એમ.વી પટેલે કહ્યું કે, મહારાજાનું ખેતી ક્ષેત્રે પણ મોટું યોગદાન રહ્યું છે. એ સમયમાં ૬૦થી ૭૦ ટકા લોકો ખેતી પર નિર્ભર કરતા હતા તેથી અસંખ્ય કૂવા, તલાવડી, સરોવરો બંધાવ્યા હતા.કૃષિ માટેની યોગ્ય તાલીમ લેવા માટે તેમણે ગુજરાતના સૂબેદાર ખાસેરાવને જર્મની મોકલ્યા હતા ત્યારબાદ ખાસેરાવે બરોડા રાજ્યના ખેડૂતોને તાલીમ આપી હતી. મહારાજ લોકોને કહેતા જેટલા વૃક્ષો વાવશો એટલો ટેક્સ માફ કરીશ.