આવકના દાખલા માટે સેલ્ફ ડેકલેરેશન નહીં એફિડેવીટ મંગાતા લોકો પરેશાન
- તા.25 ડિસેમ્બરના સરકારના સેલ્ફ ડેકલેરેશનના પરિપત્રનો અમલ ક્યારે થશે ?
- અમદાવાદમાં મોટાભાગની મામલતદાર કચેરીઓમાં સેલ્ફ ડેકલેરેશન માન્ય ગણાતું નથી, લોકો મુંઝવણમાં
અમદાવાદ,તા.19 જાન્યુઆરી 2022,બુધવાર
આવકનો દાખલો મેળવવા માટે એફિડેવીટની જરૂર નહીં રહે અરજદાર જાતે સેલ્ફ ડેકલેરેશન( સ્વઘોષિત) આપશે તો ચલાવી લેવાશે તે પ્રકારો રાજ્ય સરકારનો ગત તા.૨૫ ડિસેમ્બરથી પરિપત્ર હજુ કેટલીક જગ્યાએ અમલમાં મુકાયો નથી. મામલતદાર, તલાટી હજુ સુધી સુચના મળી ન હોવાનું ગાણું ગાઇને લોકા પાસે ફરજિયાતપણે એફિડેવીટ માંગી રહ્યા છે.
સરકારની જાહેરાતનો ગ્રાઉન્ડ પર અમલ જ ન થતો જોઇ લોકો મુંઝાઇ રહ્યા છે. એફિડેવીટના હજાર રૂપિયાનો ખર્ચો કરી કરવા મજબુર બન્યા છે. સરકાર અને વહિવટીતંત્ર વચ્ચે સંકલનનો ભરપુર અભાવ જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે સામાન્ય લોકોએ પિસાવાનો વારો આવે છે. જનસુવિધા માટે સરકાર પગલા લે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ દિવસો સુધી કંઇક જુદી જ જોવા મળી રહી છે.
પૂર્વ અમદાવાદમાં નરોડા સહિતની મામલતદાર કચેરીઓમાં અરજદારો ધક્કે ચઢ્યા છે. આવકના દાખલા માટેનું સેલ્ફ ડેકલેરેશન મંજૂર ન રખાતા અરજદારોને પાછા કાઢવામાં આવી રહ્યા છે. એફિડેવીટ લઇને આવો પછી જ આવકનો દાખલો મળી શકશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે કુબેરનગરમાં રહેતા અરજદાર જશવંતભાઇ ભીખાભાઇ શર્માના જણાવ્યા મુજબ મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓ તેઓને સેલ્ફ ડેકલેરેશન અંગેની જાણ ન હોવાનું જણાવી રહ્યા છે. સુચના મળ્યે અમલ કરાશે તેવી વાતો કરી રહ્યા છે.
આ સ્થિતિમાં અરજદારો હેરાન થઇ રહ્યા છે. નરોડા મામલતદાર કચેરીમાં બુધવારે ૧૦૦થી વધારે અરજદારોની લાંબી લાઇન લાગી હતી. તમામ પાસેથી એફિડેવીટનો જ આગ્રહ રખાયો હતો. સેલ્ફ ડેકલેરેશન માન્ય ન રખાયું હતું. જેને લઇને અરજદારોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો. વિધવા સહાય, આયુષ્યમાનકાર્ડ સહિતના કામો માટે જ્યારે તાત્કાલિક ધોરણે આવકના દાખલાની જરૂર હોય તેવામાં લોકો નાછુટકે એફિડેવીટ માટે પૈસા ખર્ચવા મજબુર બન્યા છે.
પૂર્વ અમદાવાદમાં સામાન્ય અને ગરીબ વર્ગ માટે સરકારી યોજનાનો લાભ લેવો એટલે અભિમન્યુના સાત કોઠા પાર કરવા સમાન બની ગયું છે. સરકારની વિવિધ યોજનાઓ હાડમારી ભરેલી જ છે. પારદર્શીતાના નામે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આધારકાર્ડ કઢાવવાની હાલાકી હજુ યથાવત, લોકો પરેશાન
આધારકાર્ડ કઢાવવું પણ એક મોટી હાલાકી છે. અરજદારો ધક્કા ખાઇ ખાઇને થાકી જાય છે, હેલ્પલાઇન નંબરો પર ફોન કરીને કંટાળે છે, ટોકન માટે વહેલી સવારથી લાઇનમાં ઉઙભા રહેવું, સવારે ૧૧ વાગ્યા પછી આધારકાર્ડનું કામ કાજ શરૂ થવું, બપોરે રિશેષ, સાંજે વહેલા કામ આટોપી લેવું, અરજદારોને જરૂરી માર્ગદર્શન ન આપવું, હડધુત કરવા, અરજદારની વાત ન સાંભળવી બસ પોતાનું ચલાવ્યે રાખવું આ સ્થિતિ આધારકાર્ડ કઢાવવા જનાર દરેક અરજદાર માટે મોટી સમસ્યા છે.
સરકારે ખાનગી એજન્સીને આધારકાર્ડ કઢાવવાનું કામ સોંપી દીધું છે. લોકોની હાલાકી છતાય સરકાર લોકોને પક્ષ લેવાને બદલે ખાનગી એજન્સીના સંચાલકોને છાવરવાની નીતિ રાખે છે. જેના કારણે લોકોની ફરિયાદ ઉકેલાવાને બદલે વધતી જઇ રહી છે.અધિકારીઓને મન લોકોને બદલે ખાનગી એજન્સીના સંચાલકો વધુ ખાસ બની બેઠા છે. આ સ્થિતિમાં કોઇ કાર્યવાહી થવાનો ભય ન રહેતા આધારકાર્ડના વિવિધ સેન્ટરોના સંચાલકો મનફાવે તેમ વર્તી રહ્યા છે. જે થાય તે કરી લો તેવા દમ સાથે અરજદારો સાથે ઝઘડી રહ્યા છે.
ફિન્ગર પ્રિન્ટ ન આવે તો તે ઘડીએ જ અરડજદારને બાજુએ હડસેલી દેવાય છે અને બીજા અરજદારને બોલાવી લેવાય છે. દિવસ બગાડીને, કામ-ધંધે રજા મુકીને સવારથી લાઇનમાં ઉભા રહેતા અને નંબર આવ્યે તે અરજદારને પુરતો સમય ન અપાતા લોકો પરેશાન છે. આધાકરાડ્ નીકળતા નથી. ઓપરેટરો જાણે-અજાણે સ્પેલિંગ મસ્ટેક કરીને કે પછી ખોટી વિગતો ભરીને અરજદારને સુધારા-વધારા માટે સતત ધક્કા ખવડાવ્યે રાખે છે.
આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પડતી હાલાકી
આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પણ લોકોએ ધક્કા ખાવા પડી રહ્યા છે. તમામ પુરાવાઓ રજૂ કર્યા બાદ પણ લોકોને દિવસો સુધી આયુષ્યમાન કાર્ડ મળી રહ્યા નથી. લોકો ધક્કા ખાઇ રહ્યા છે. એજન્ટોની માયાજાળમાં ફસાઇને પૈસાનું પાણી કરી રહ્યા છે.
પૂર્વ અમદાવાદમાં હાલમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે લોકો રીતસરના ધક્કે ચઢ્યા છે. સરકારી કચેરીમાં દિવસો સુધી નંબર આવતો નથી. નંબર આવે તો કાર્ડ જલદી મળતું નથી. આ સ્થિતિ સામાન્યજન માટે હાલાકીરૂપ બની રહી છે.