અકસ્માત વખતે સીટ બેલ્ટ ના હોય તો પ્રવાસી ૪૦ ગણા ફોર્સથી બહાર ફેંકાય છે
-સાયરસ મિસ્ત્રીને નડેલો અકસ્માત કારસવાર માટે બોધપાઠ
-કારની સ્પીડ ૧૩૪ કિમી પ્રતિ કલાક હતી : પાછળ બેઠેલાએ સીટ બેલ્ટ નહીં પહેરતાં એર બેગ ખૂલી જ નહીં
અમદાવાદ, સોમવાર
તાતા સન્સના પૂર્વ
ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થતાં ઉદ્યોગજગતમાં ઘેરા શોકની લાગણી
વ્યાપી ગઇ છે. પારસીઓના પવિત્ર સ્થળ વલસાડના ઉદવાડા સ્થિત ઇરાનશા આતશ બહેરામના દર્શન
કરીને તેઓ મુંબઇ પરત ફરી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રમાં પાલઘર નજીક તેમની મર્સિડીઝ
કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેના લીધે સાયરસ અને તેમની સાથે પાછળની સીટ પર બેઠેલા
મિત્ર જહાંગીરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે આગળની સીટ પર બેઠેલા ડો. અનાયતા પંડોલે તેમના પતિ દરીસસ પંડોલે હોસ્પિટલમાં
સારવાર હેઠળ છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ દિવંગત સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્રના મૃત્યુ
પાછળ વિવિધ તારણો સામે આવી રહ્યા છે. જેના અનુસાર નેશનલ હાઇવેમાં આ કારની સ્પીડ ૧૩૪
કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ઉપરાંત પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી-તેમના મિત્રે
સીટ બેલ્ટ જ નહીં પહેર્યો હોવાથી તેમની એરબેગ ખૂલી નહીં અને જે તેમના મૃત્યુ માટે નિમિત્ત
બની.
આગળ જ નહીં પાછળની
સીટમાં પણ સીટ બેલ્ટ મહત્વનો
નિષ્ણાતોના મતે
કારની આગળની સીટ પર બેઠેલા સીટ બેલ્ટ પહેરતા હોય છે અને પાછળની સીટ પર બેસનારા ૯૦ ટકા
લોકો સીટ બેલ્ટ પહેરવાનું ટાળે છે. કારમાં એરબેગ ત્યારે જ ખૂલે છે ત્યારે સીટ બેલ્ટ
પહેરવામાં આવ્યો હોય. રવિવારે સર્જાયેલી દુર્ઘટનામાં પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી
અને જહાંગીર પંડોલેએ સીટ બેલ્ટ પહેર્યો નહોતો જેના કારણે તેમના તરફની એરબેગ ખૂલી જ
નહીં. બીજી તરફ આગળની સીટ પર બેઠેલા બંનેએ સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તેમની તરફની એરબેગ
ખૂલી જતાં તેમને રક્ષણ મળી ગયું હતું. આમ, સીટ બેલ્ટ પહેર્યો જ ના હોય તો એરબેગનો મતલબ
રહેતો નથી. એરબેગ ખૂલે તેના માટે સીટ બેલ્ટ યોગ્ય રીતે પહેરવો ખૂબ જ જરૃરી છે. તજજ્ઞાોના
મતે સીટ બેલ્ટ ના પહેર્યો હોય તો પાછળની સીટમાં બેઠેલી વ્યક્તિ ૪૦ ગણા ગુરુત્વાકર્ષણબળે
ફેંકાશે. જેનો મતલબ કે, જે વ્યક્તિનું વજન ૮૦ કિલો હોય તો તે જાણે ૩૨૦૦ કિલોનો થઇ જાય.
જેના કારણે ઘણા કિસ્સામાં આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો હોવા છતાં
પાછળની સીટ પર સીટ બેલ્ટ પહેર્યા વિનાની વ્યક્તિ આટલા ફોર્સથી ફેંકાય તો તેના વજનથી
જ તેનું મૃત્યુ થાય છે.
સીટ બેલ્ટ માટે
નિયમ શું છે?
સેન્ટ્રલ મોટર
વ્હિકલના નિયમ ૧૩૮ (૩) અનુસાર માત્ર આગળ જ નહીં પાછળની સીટમાં બેસનારા માટે પણ સીટબેલ્ટ
ફરજીયાત છે. પાછળની સીટ પર બેસનારા માટે સીટ બેલ્ટ પણ ફરજીયાત હોવાના નિયમથી અનેક લોકો
અજાણ હોય છે. સીટ બેલ્ટ નહીં પહેરવા પર રૃપિયા ૧ હજારના દંડ ફટકારવામાં આવે છે. એક
સર્વે અનુસાર માત્ર ૭ ટકા લોકો કારમાં પાછળની સીટમાં બેસતી વખતે સીટ બેલ્ટ પહેરે છે,
માત્ર ૨૭.૭ ટકા લોકો પાછળની સીટ પર પણ ફરજીયાત સીટ બેલ્ટના નિયમથી વાકેફ હતા. વર્લ્ડ
હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે પાછળની સીટ પર પણ સીટ બેલ્ટ પહેરવાથી મૃત્યુના પ્રમાણમાં
૨૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે.
હવે થ્રી પોઇન્ટ
સીટ બેલ્ટ
એમ-૧ કેટેગરી
(આઠ કરતાં ઓછા મુસાફરની કાર) માં આવતી પ્રત્યેક કારની ફ્રન્ટ ફેસિંગ સીટમાં થ્રી-પોઇન્ટ્સ
બેલ્ટ લાવવા માટે કેન્દ્રિય વાહન વ્યવહાર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
મોંઘીદાટ કાર
એટલે સલામતીની ગેરન્ટી નહીં
કાર મોંઘી હોય
એટલે સલામતી વધી જાય તેવું હોતું નથી. સાયરસ મિસ્ત્રી જે કારમાં બેઠા હતા તે કાર ૨૦૦
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. પરંતુ ભારતના રસ્તા આ ઝડપ માટે બનેલા નથી,
તે કારચાલક ભૂલી જાય છે. સીટ બેલ્ટ બાંધેલો હોય અને અચાનક બ્રેક મારવામાં આવે તો તેવી
સ્થિતિ પણ કારસવાર માટે ઘાતક પુરવાર થઇ શકે છે.
કારની ઝડપ એટલી
હતી કે એન્જિન પાછળના વ્હિલ તરફ આવી ગયું
સાયરસ મિસ્ત્રી
જે કારમાં સવાર હતા તેની ઝડપ એટલી હતી કે આ ડિઝલ કારનું એન્જિન પાછળના વ્હિલ તરફ આવી
ગયું હતું. એનસીઆરબીના અહેવાલ અનુસાર ૬૦ ટકા માર્ગ અકસ્માત વાહનની વધુ પડતી ઝડપને કારણે
જ થતાં હોય છે.