રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સપ્ટેમ્બર સુધી ફી માટે શાળાઓ દબાણ નહી કરી શકે
- આગામી 15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજ બંધ રહેશે, શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગનો કન્સેપ્ટ તૈયાર કરાયો
અમદાવાદ, તા. 13 જુન 2020, શનિવાર
કોરોના સંકટના લીધે શાળાઓ ખોલવા અને ફી અંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં શાળા-કોલેજો શરૂ કરવા, ખાનગી શાળા દ્વારા લેવામાં આવતી ફી અને ઓનલાઇન એજ્યુકેશન અંગે ચર્ચા થઇ હતી. આ બેઠક બાદ શિક્ષણમંત્રીએ એક પત્રકાર પરિષદ યોજી હતી.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષની ફીમાં કોઈપણ વધારો નહીં થાય. તેમજ જો વાલી શાળાની ફી ભરી શકે તેમ ન હોય તો ત્રિ-માસિક ફીના બદલે માસિક ફી ભરી શકશે. વાલીઓ સપ્ટેમ્બર મહિના સુધી ફી ભરી શકશે અને તેના પર શાળા દ્વારા ફી લેવા માટે દબાણ નહી કરી શકે અને જો અમને આ પ્રકારની માહિતી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય શાળા દ્વારા ટ્રાન્સપોર્ટેશન, યુનિફોર્મ, પુસ્તકો માટે પૈસા નહીં ઉધરાવી શકાય.
તેમણે કહ્યું કે, કોરોના મહામારી બાદ દેશમાં કામકાજની પદ્ધતિ ફિઝિકલથી ડિજિટલ તરફ જઇ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે માટેની તૈયારી કરી લીધી છે. વિભાગ દ્વારા હોમ લર્નિંગનો કન્સેપ્ટ તૈયાર કરાયો છે. આગામી 15 તારીખથી ડીડી ગીરનાર ચેનલ પર ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે 30 મિનીટ અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 1 કલાક શિક્ષણ આપવામાં આવશે.
આ સિવાય તેમણે જણાવ્યું કે, જેમના ઘરે ટીવી ના હોય તેમને મટિરીયલ્સ પહોંચાડવામાં આવશે. ઘરે શીખી શકાય તેવું મટિરીયલ અમે તૈયાર કર્યું છે. જેનાથી વિદ્યાર્થી જાતે શીખી શકશે અને પોતાના માતા-પિતાની પણ મદદ લઈ શકશે. આ સિવાય શિક્ષકોને ફોન કરીને પણ તેમનો સંપર્ક કરી શકશે.