Shatdal

નિદાન કે સારવાર માટે દરેક ડોક્ટરનું અંગત અલ્ગોરિધમ હોય છે!

By GS Team
30 Jun 20264 mins read
નિદાન કે સારવાર માટે દરેક ડોક્ટરનું અંગત અલ્ગોરિધમ હોય છે!
  • તારી અને મારી વાત-હંસલ ભચેચ
    અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી, ગૂગલ કે ચેટ જીપીટીને અનુભવ ઉપલબ્ધ નથી. હા, એ તમારા ઉપયોગ અને ડેટામાંથી શીખે છે પરંતુ એણે આપેલી માહિતીથી તમારું શું થયું એને ખબર નથી, એને લેવાદેવા પણ નથી!
    ધા રો કે તમે કોઇ જંગલમાંથી પસાર થતાં હોવ અને તમને વાઘ જોવા મળે તો તમે એને ઓળખી જાવ?! એના વાઘ હોવા પરત્વે સંદેહ થાય?! તમને થશે કે હું કેવા પ્રશ્નો પૂછી રહ્યો છું, આ પૂછવા પાછળ મારી પાસે તર્કસંગત કારણ છે. આપણે વાત કરતા હતા સંદેહને દૂર કરવા કે કોઈપણ બાબતની સત્યતા ચકાસવા માટે દર્શનશાસ્ત્રમાં છ ઉપાય છે. આ પૈકી પ્રત્યક્ષ અનુભવ, શબ્દ પ્રમાણ અને અનુમાનની વાત કરી હવે બાકીના ત્રણની વાત કરીએ. સત્યતા ચકાસવાનો કે સાચું જ્ઞાન મેળવવાનો ચોથો ઉપાય છે તમારા મગજમાં રહેલા જ્ઞાન કે ખ્યાલને કોઇ બાબત સાથે સરખાવીને ચકાસણી કરવી. તમારા મગજમાં વાઘનો ખ્યાલ છે અને એટલે જ એ જ્યારે સામે આવે ત્યારે તમે મનોમન સરખામણી કરીને જોવા મળેલા પ્રાણીની વાઘ તરીકેની સત્યતા ચકાસી લો છો. તમે વાઘને પ્રત્યક્ષ ના જોયો હોય તો પણ જંગલમાં એના હોવાનું અનુમાન તેના પગલાં કે ઝાડ પર મારેલા નખ પરથી કરી શકો છો. તમારા ગાઈડના કહેવાથી પણ એ વાત માની લો છો.
    હવે ધારો કે, તમે વાઘની શોધમાં રખડતા હોવ અને તમને એનું બચ્ચું દેખાઈ જાય તો વાઘણને જોયા વગર પણ તમને પ્રતીતિ થઈ જાય કે વાઘણ આસપાસમાં જ હશે. વાઘનું બચ્ચું આ બાબતનું સૂચિતાર્થ છે. તો આ થયો પાંચમો ઉપાય, કોઈપણ બાબતનો સૂચવાયેલો અર્થ. હવે ધારો કે જંગલમાં ના વાઘ દેખાય કે ના આપણે જોયા એમાંના એક પણ પ્રમાણ તો એ બધી જ બાબતની ગેરહાજરી વાઘ ના હોવાની સાબિતી છે. એટલે છઠ્ઠું પ્રમાણ અનુપલબ્ધિ.
    કંટાળ્યા કે રસ પડયો ?! ડોક્ટર રોગના નિદાન કે તે અંગેની બીજી બાબતોના તારણ પર કેવી રીતે આવતા હોય છે એ જણાવવા આ પાર્શ્વભૂમિકા બાંધવી જરૂરી હતી. આપણે જે છ પ્રમાણ કે સત્યને ચકાસવાના ઉપાયો જોયા એ તમામનો ઉપયોગ ડોક્ટર આ માટે કરતા હોય છે. સૌ પ્રથમ દર્દીની હિસ્ટ્રી તેમને અનુમાન અને સરખામણી કરવામાં મદદ કરે છે. દર્દીની ફરિયાદોના આધારે એ રોગનું અનુમાન કરે છે અને ભૂતકાળમાં એ જ લક્ષણોવાળા પોતે જોયેલા દર્દીઓ સાથે મનોમન સરખામણી કરે છે. આ ઉપરાંત પુસ્તકો અને અન્ય નિષ્ણાત ડોક્ટરો પાસેથી શીખેલા શબ્દ પ્રમાણનો (અભિપ્રાયનો) ઉપયોગ પણ અજાગ્રત સ્તરે કાર્યરત હોય છે. ત્યારબાદ દર્દીને તપાસીને એ પ્રત્યક્ષ પ્રમાણ મેળવે છે, પોતાની ઇન્દ્રિયો દ્વારા મેળવેલી માહિતીને પણ નિદાનની પ્રક્રિયામાં જોડે છે અને પોતાની પરીક્ષાનો સુચિત અર્થ કાઢે છે. સાથે સાથે લેબોરેટરી કે અન્ય તપાસોનો ઉપયોગ તે શું સૂચવે છે અને શેની ઉપલબ્ધિ નથી એ જાણવા માટે કરે છે. રિપોર્ટ જે સૂચવે છે તેની શક્યતાઓ બીજા પ્રમાણ સાથે ચકાસે છે અને જેની ઉપલબ્ધિ નથી તેની ખાત્રી અન્ય નિદાનને કાઢી નાખવા માટે ઉપયોગમાં લે છે. ડોક્ટરો નિદાન પર આવતા પહેલા કેવું મનોમંથન કામે લગાડે છે તેનું આ નાનકડું ટ્રેલર છે. નિદાન પર આવ્યા પછી સારવાર અને દવાઓની પસંદગી પણ આ જ પગલાઓમાં આગળ વધે છે. તમને શાંતિથી સાંભળતાં ડોક્ટરનું મન એટલું શાંત નથી હોતું, એ તો અંદર આ ગડમથલોમાં જ હોય છે. જેટલા અનુભવી ડોક્ટર એટલી કદાચ આ ગડમથલ ઓછી હોઈ શકે, કારણ કે અનુભવે એમની ધારણા, સમજ, સરખામણી, અનુમાન વગેરેને સતેજ કરી નાખી હોય છે. આ જ કારણોસર તે ઝડપી અને અસરકારક નિદાન અને નિર્ણય કરી શકે એ દિશામાં તેમનું મગજ ઘડાઈ ગયું હોય છે.
    ચાલો આટલી બાબતોને બાજુમાં રાખીને આપણા મૂળ પ્રશ્ન પર આવીએ કે ડોક્ટર પર ભરોસો રાખવો કે ગુગલ પર?! અને મેં કહ્યું'તુ કે તમારી સમસ્યાનું સમાધાન અને સારવાર જોઈતી હોય તો ડોક્ટર ઉપર, નહીંતર ગુગલ પર! ગુગલ સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણકારી મગજમાં ઘુસી જાય!! અનુભવથી મોટો કોઇ શિક્ષક નથી, ગૂગલ કે ચેટ જીપીટીને અનુભવ ઉપલબ્ધ નથી. હા, એ તમારા ઉપયોગ અને ડેટામાંથી શીખે છે પરંતુ એણે આપેલી માહિતીથી તમારું શું થયું એને ખબર નથી, એને લેવાદેવા પણ નથી ! ધારો કે એણે તમને કોઈ દવાની આડઅસર વિશે ભડકાવ્યા અને તમે દવા બંધ કરી દીધી. હવે આ સંજોગોમાં તમારા રોગે ઉથલો માર્યો તો તમે એને જઈને ફરિયાદ કરશો ?! એને તમારું શું થયું એ જાણવામાં કે હવે આગળ શું એ વિચારવા માટે પ્રોગ્રામ નથી કરવામાં આવ્યો. બીજી બાજુ, ડોક્ટર પોતે કરેલા નિદાન અને સારવારને ફોલો-અપ કરતા રહે છે, પોતાની સૂઝ, આવડત અને ચોકસાઈના સ્તરને સતત ઊંચાઈએ વિસ્તારતા જાય છે. તમારે એ નક્કી કરવાનું રહે છે કે સતત વિકસતી પ્રજ્ઞાનો ભરોસો કરવો કે ડેટાબેઝનો ?! માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ વિચારસરણી ધરાવતા લોકોએ આ વાંચીને એમ ના સમજવું કે હું ગૂગલ કે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનો વિરોધી છું પરંતુ હું એવું સ્પષ્ટ માનું છે કે ટેકનોલોજીનો ઉપયોગ એટલો તો બુધ્ધિપૂર્વક અને વિવેકપૂર્ણ હોવો જોઈએ કે આપણું જીવન વધુ સરળ અને સુખમય બને.
    પૂર્ણવિરામ
    સારવાર માટે તમારા ડોક્ટરના જ્ઞાન કરતા તેમનો અનુભવ, પરિપકવતા અને ડહાપણ, સરવાળે વધુ અગત્યના સાબિત થાય છે.