ટેકનિકલ-પેરામેડિકલમાં વેકેન્ટ ક્વોટા પ્રવેશમાં પણ હવે શિષ્યવૃતિ અપાશે
- વિરોધ અને રજૂઆતો બાદ સમાજ કલ્યાણ વિભાગે નિર્ણય કર્યો
- તમામ નાયબ નિયામકને વેકેન્ટ ક્વોટામાં હવેથી શિષ્યવૃત્તિ આપવા અને ગત બે વર્ષમાં બાકી પણ શિષ્યવૃતિ આપી દેવા આદેશ કરાયો
અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર
ટેકનિકલ અને પેરામેડિકલ કોર્સીસમા ઓનલાઈન એડમિશન રાઉન્ડ બાદ ખાલી પડતી બેઠકોના વેકેન્ટ ક્વોટા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેઓને શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડનો લાભ ન આપવાનો સરકારે નિર્ણય કર્યા બાદ ભારે વિરોધ થતા સરાકરે હવે ફરીથી લાભ આપવાનો પરિપત્ર કર્યો છે.જેથી અનામત કેટેગરીના હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે.
કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અંતર્ગત 2018-19થી મેનેજમેન્ટ ક્વોટા અને રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કોલેજ ખાતે થયેલ સ્પોટ એડમિશનમાં એસસી-એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન ચુકવવા ઠરાવ કરવામા આવ્યો હતો.
જેથી બે વર્ષથી શિષ્યવૃત્તિ બંધ કરાઈ હતી.પરંતુ ડિપ્લોમા ઈજનેરીમાં રાજ્યના જ કેટલાક જિલ્લામાં શિષ્યવૃત્તિ અપાઈ પણ હતી પરંતુ મહેસાણા સહિતના કેટલાક જિલ્લામાં નાયબ નિયામક કચેરી દ્વારા અપાઈ ન હતી.આમ વિદ્યાર્થીઓને ભારે અન્યાય થયો હતો. ડિપ્લોમા ઈજનેરી કોલેજ એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સુધી અનેક રજૂઆતો અને વિરોધ બાદ રાજ્ય સરાકરે અંતે ફરીથી શિષ્યવૃત્તિ લાગુ કરી છે.
સામાજિક ન્યાય અધકિારીતા વિભાગની આ મુદ્દે અનેક બેઠકો મળી હતી અને જેમાં ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમા ઈજનેરી અને પેરામેડિકલના કોર્સીસમાં એડમિશન પ્રક્રિયાના અંતે ખાલી રહેતી અને જાહેર કરાતી વેકેન્ટ સીટમાં કોલેજો ઈન્ટરસે મેરિટના આધારે જે પ્રવેશ આપે છે તે મુદ્દે ચર્ચા કરવામા આવી હતી. તમામ ચર્ચાને અંતે સર્વાનુમતે સમાજ કલ્યાણ વિભાગે નિર્ણય કર્યો છે કે વેકેન્ટ સીટ પર એડમિશન મેલવતા વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ સીટ પર જે શિક્ષણ ફી લેવામા આવે છે તેની મર્યાદામાં ફી ચુકવવામા આવે.
તમામ જિલ્લા કચેરીઓને આવી વેકેન્ટ સીટ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને હવે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાની અન્ય શરતો તપાસી શિક્ષણ ફી સહિત શિષ્યવૃત્તિ ચુકવવા જણાવવામા આવે છે.ઉપરાંત 2018-19 થતા 2019-20માં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા બાદ પણ શિષ્યવૃત્તિનો લાભ મળ્યો નથી તેઓને નિયમાનુસાર આપવાની રહેશે.