SBI બેંકની મીઠાખળી બ્રાન્ચ અને ATMને મ્યુનિ.ની ટીમે 'સીલ' માર્યા
- લોકોની ભીડ જામી હતી, કેટલાકે માસ્ક પણ પહેર્યાં નહોતા
- દિલ્હી દરવાજા બહારના 'ગાભા બજાર'ની ભીડને વિખેરી નાખી, જુના કપડાંનાં 35 પોટલાંઓ જપ્ત કર્યા
અમદાવાદ, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર
અમદાવાદમાં કોરોનાના વધી રહેલાં સંક્રમણ વચ્ચે પણ માસ્ક પહેરવો અને એકબીજા વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોના ઠેર ઠેર ભંગ થતો હોવાનું જણાય છે. દરમ્યાનમાં આજે મ્યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ ખાતાની ટીમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-એસબીઆઈની મીઠાખળી બ્રાન્ચ અને તેના એટીએમની કામગીરી બંધ કરાવીને 'સીલ' મારી દીધેલ છે.
એસબીઆઈ જેવી સરકારી બેંકને સીલ મારવાની બાબત ફેલાઈ જતાં અન્ય એકમોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે. આજે સવારના સોલીડવેસ્ટ વિભાગની ટીમ બેંકની બ્રાન્ચમાં પહોંચી ત્યારે ભારે ભીડ જામેલી હતી અને કેટલાંકે તો માસ્ક પણ પહેર્યા ન હતાં. બાદમાં મ્યુનિ. કર્મચારીઓએ લોકો અને કર્મચારીઓને બહાર મોકલીને શટર પાડી દીધું હતું. ત્યાં સીલ મારીને ઉપર નોટિસ ચોટાડી દીધી હતી.
આવી જ સ્થિતિ એટીએમમાં પણ હતી, તે પણ સીલ કરાયું હતું. ઉપરાંત દિલ્હી દરવાજાની બહાર 'ગાભા બજાર' તરીકે જાણીતું જુના કપડાંનું બહુ મોટું માર્કેટ આવેલું છે. ત્યાં ફુટપાથ તેમજ રોડ પર જ 150થી 200 પાથરણાં લાગે છે, જ્યાં જુના અને નવા રસ્તા કપડાંઓ વેચાતા હોય છે.
આ જગ્યાએ છેલ્લા એક સપ્તાહથી ભારે ભીડ જામતી હતી. એટલું જ નહીં માસ્ક તો ભાગ્યે જ કોઈ પહેરતું હતું. દરમ્યાનમાં આજે મધ્યઝોનના ટીડીઓ-એસ્ટેટ ખાતાની ટીમ દબાણ ગાડીઓ સાથે ત્યાં પહોંચી ગઇ હતી. દરમ્યાનમાં ફેરિયાઓમાં થોડી નાશભાગ થઇ હતી, આ સ્થળે મહિલાઓના ટોળાં વધુ પ્રમાણમાં થતાં હોય છે.
મધ્યઝોનની ટીમે કપડાંના 35 પોટલાં, 17 પરચુરણ સામાન જપ્ત કરી દબાણ ગાડીમાં ભરી દીધો હતો. તેમજ 8 શેડ દુર કર્યા હતા. ગાભા બજાર બંધ થઇ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફુડ પાર્લરો, પાન-મસાલાના ગલ્લાં, ચાની કીટલીઓ, મોલ વગેરેને મ્યુનિ. તંતરએ સીલ માર્યા હતા. મોલમાં તો મહિલાઓ સાથે માસ્ક પહેર્યા વગરના બાળકો પણ નજરે પડતાં હતાં.