સૌરભ પટેલે બોટાદમાં ક્રિકેટ મેચ યોજી ભીડ ભેગી કરી, વિડિયો વાઇરલ કર્યો
શક્તિ પ્રદર્શન કરવા પૂર્વ ઊર્જા મંત્રીનો દેખાડો
લોકો માસ્ક ન પહેરે, લગ્ન પ્રસંગે 400 થી વધુ એકઠા થાય તો દંડ પણ મંત્રીને બધી છૂટ
અમદાવાદ : ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યારે ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી હજારોની મેદની એકત્ર કરી રહ્યુ છે.જાણે કે, કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે.બોટાદમાં પૂર્વ મંત્રી ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના બહાને ભીડ ભેગી કરી રાજકીય શક્તિ પ્રદર્શનનું ત્રાગુ રચ્યુ હતું.
એટલું જ નહીં, ખુદ સૌરભ પટેલે જ ફેસબુક પર વિડીયો વાયરલ કર્યો હતો. આ જોતાં લોકોમાં એવી સામાન્ય સમજ પ્રવર્તી રહી છેકે, આમજનતા માટે જ નિયમો અમલમાં છે જયારે ભાજપના નેતા-કાર્યકરોને કોઇ નિયમો લાગુ પડતાં નથી. ગુજરાતમાં એમિક્રોનના કેસો વધી રહ્યા છે. કોરોનાના કેસોનો આંક 200ને પાર કરી ચૂક્યો છે.
ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ કહ્યું છેકે, કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વર્તાઇ રહ્યા છે. કેન્દ્રના ગૃહ વિભાગે ગુજરાત સરકારને કોરોનાના નિયમો કડકપણે અમલમાં લાવવા સૂચના આપી છે. રાત્રી કરફ્યૂનો સમય લંબાવીને રાત્રીના 9થી 5 વાગ્યા સુધી કરવા ગૃહ વિભાગ વિચારી રહ્યુ છે. આ પરિસ્થિતીમાં બોટાદમાં ભાજપે ક્રિકેટ મેચનું આયોજન કર્યુ હતું.
25 દિવસ સુધી ક્રિકેટમેચ યોજી હતી જેમાં હજારોની મેદની એકત્ર કરવામાં આવી હતી. માસ્ક- સોશિયલ ડિસટન્સના નિયમો નેવે મૂકી લોકોએ ફાઇનલ મેચનો આનંદ માણ્યો હતો. હદ તો ત્યારે થઇકે, ખુદ પૂર્વ ઉર્જી મંત્રી સૌરભ પટેલે મત વિસ્તાર બોટાદમાં યોજાયેલી નાઇટ ટુર્નામેન્ટની ફાઇમલ મેચ વખતે હજારોની મેદની એકઠી થયેલો વિડીયો ફેસબુક પર શેર ક્યો હતો.
એમિક્રોન વકરતાં સામાન્ય વ્યકિત માસ્ક ન પહેરે તો પોલીસ રૂા.500 દંડ ફટકારે છે.લગ્ન પ્રસંગે 400થી વધુ એકઠા થાય તો પોલીસ દંડ ફટકારી વટ મારે છે. પણ ભાજપ ક્રિકેટ મેચ યોજી હજારોને ભેગા કરે તો પોલીસ અને સ્થાનિક તંત્ર તમાશો નિહાળે છે. પ્રજાના પ્રતિનીધીઓ જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કોરોના વકરી રહ્યો છે ત્યારે સતર્ક રહેવા અપીલ કરી રહ્યા છે ત્યારે પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ ભીડને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભાજપના નેતાઓ જ કોરોના અંગે ગંભીર નથી. એક બાજુ, ભાજપ સરકાર નદી ઉત્સવ સહિતના સરકારી તાયફા યોજવામાં વ્યસત છે તો બીજી તરફ, ભાજપના નેતાઓ ક્રિકેટ મેચ યોજી હજારોની ભીડ એકત્ર કરીને રાજકીય શક્તિ પ્રદર્શન કરવા મથામણ કરી રહ્યા છે. જે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવા સમાન છે.