- કોરોના કાળ દરમિયાન પણ કોર્પોરેશનના તંત્રે સ્વિમિંગ પુલનું રીપેરીંગ ન કર્યું
- ભર ઉનાળે લોકો સ્વિમિંગ પુલની સુવિધાથી વંચિત
- રીપેરીંગ માટે 50 લાખના ખર્ચનો અંદાજ તૈયાર કર્યો
- કામ નવ મહિને પૂર્ણ થશે
વડોદરા,તા. 3 જૂન 2022,શુક્રવાર
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નો સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે, પરંતુ તે ચાલુ કરવામાં કોઇ દરકાર લેવામાં આવી નથી. વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વીમિંગ પૂલ કોરોના કાળ દરમિયાન બે વર્ષ બંધ હતો, ત્યારે કોર્પોરેશનના તંત્રે જરૂરી મેન્ટેનન્સ કરી લીધું હોત તો આજે ભરઉનાળે સ્વીમિંગપુલના આજીવન સભ્યો સભ્યો તેમજ બીજા લોકો પણ તેનો લાભ લઈ શક્યા હોત. સ્વિમિંગ પુલમાં ક્લોરિનેશન અને શુદ્ધિકરણ પ્લાન્ટ બંધ છે. સ્વીમિંગપુલના હોજમાં અંદર ટાઇલ્સ નીકળી ગઈ છે. કોર્પોરેશનને કોરોના સમયની સમાપ્તિ પછી પણ એક વર્ષ દરમિયાન રીપેરીંગ માટે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ કહે છે કે તંત્રને મિલકતો ઊભી કરવામાં રસ છે ત્યાર બાદ તેની જાળવણી અને નિભાવણીમાં કોઈ રસ નથી હોતો. આ માટે માત્ર ઈજારો આપી દેવામાં આવે છે. જે રીતે રીપેરીંગના ખર્ચનો અંદાજ તૈયાર કર્યો છે તે જોતાં કામ ઓછામાંઓછું નવ મહિના ચાલે તેટલુ છે. આ સીઝન તો ઠીક છે આવતી સિઝનમાં પણ સ્વિમિંગ પૂલ બંધ હોય તો નવાઈ નહીં.

સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કહે છે કે કોર્પોરેશનને તાજેતરમાં જ પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગપુલ જે બંધ હતો તે ચાલુ કર્યું છે, એ સિવાય લાલબાગ, કારેલીબાગ અને સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતેનો સ્વિમિંગપુલ ચાલુ છે. સરદાર બાગ સ્વીમિંગ પૂલના રીપેરીંગ માટે ખર્ચનો અંદાજ તૈયાર કરીને ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી છે. રૂપિયા 50 લાખના ખર્ચ અંદાજ ને મંજૂરી આપી દેવાઇ છે. આ સ્વિમિંગ પુલમાં પણ લોકોને જેમ બને તેમ જલ્દી લાભ મળશે. સામાજિક કાર્યકર કહે છે કે એવી તે આ સ્વિમિંગ પુલની કઈ સમસ્યા છે કે ત્રણ-ત્રણ વર્ષ સુધી બંધ રાખવો પડે.


