ટેક્સમાં કરવામાં આવેલા ફેરફારોથી નોકરિયાત વર્ગને કોઈ ફાયદો નથી
વડોદરા,તા.4.ફેબ્રુઆરી,મંગળવાર,2020
તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રિય બજેટમાં નાણામંત્રીએ વ્યક્તિગત ટેક્સ ભરનારાઓ માટે જે બદલાવ કર્યા છે તેનાથી નોકરીયાતોને કોઈ ફાયદો થવાનો નથી તેમ ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝ દ્વારા યોજાયેલા બજેટ એનાલિસિસમાં સીએ મિલિંદ મહેતાએ કહ્યુ હતુ.
તેમના કહેવા પ્રમાણે ટેક્સમાં કોઈ પણ જાતની છુટ નહી લેનારાને ટેક્સમાં રાહત આપતો વિકલ્પ આ વખતે બજેટમાં રજૂ કરાયો છે.જો નોકરિયાત વ્યક્તિ આ વિકલ્પને પસંદ કરે તો તેને પીએફ, સ્ટાન્ડર્ડ ડિડક્શનથી માંડીને એચઆરએ જેવી તમામ છુટ જતી કરવી પડે.એટલે આ વિકલ્પથી નોકરિયાત વર્ગને ફાયદો નહી થાય.કદાચ વેપારી વર્ગને ધ્યાનમાં રાખીને આ વિકલ્પ અપાયો છે.જેમની પગાર સિવાયની આવક હોય છે.તેમના માટે આ વિકલ્પ પસંદ કરવાથી અન્ય જગ્યાએ રોકાણ કરવા માટે કે ખર્ચ કરવા માટે રોકડ રકમ ઉપલબ્ધ રહેશે.
તેમણે કહ્યુ હતુ કે, એનજીઓ એક્ટમાં કરાયેલા ફેરફાર બાદ હવે નવા એનજીઓને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કાર્યરત થવામાં એક વર્ષ જેટલો સમય લાગી જશે.આમ એનજીઓ માટે સરકારે કાયદો વધારે આકરો બનાવ્યો છે.ફિસ્કાલ ડેફિસિટ સરકારના અંદાજ કરતા ૦.૩ ટકા વધી છે.તેના કારણે બજેટમાં એક લાખ કરોડની ખાધ વધી છે.છતા સરકારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચાર લાખ કરોડના કેપિટલ એક્પેન્ડિચરમાં ઘટાડો કર્યો નથી અને ઉલટાનુ આ ખર્ચ ૧૦૦૦૦ કરોડ વધાર્યો છે.આ એક હિંમતભર્યુ પગલુ કહી શકાય.
તેમણે મત વ્યક્ત કર્યો હતો કે, દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટેના નિર્ણયો સરકારે ગત સપ્ટેમ્બરમાં જ લઈ લીધા હતા.વર્તમાન વર્ષના આઠ મહિનામાં સીધુ વિદેશી રોકાણ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ વધ્યુ છે.એવુ લાગે છે કે, દેશની ઈકોનોમી પર ભારત કરતા વિદેશીઓને વધારે વિશ્વાસ છે