પાદરાનો ચકચારભર્યો લવ જેહાદનો કિસ્સો સાહિલ વ્હોરા ઉર્ફે વિકી સગીરા પાસે જબરજસ્તી દેહવેપાર કરાવતો
સગીરાએ કોર્ટને પાંચ શખ્સોના નામ આપતા બે શખ્સોને પોલીસે રાઉન્ડઅપ કર્યા
પાદરા તા.૧૯ પાદરામાં સાહિલ વ્હોરા નામના યુવાને હિન્દુ નામ વિકી ધારણ કરી સગીર યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતીને યુવક મુસ્લિમ તેમજ પરિણીત હોવાની જાણ થવાના લવજેહાદના ચકચારભર્યા બનાવમાં સાહિલ વ્હોરા સગીરાને ધમકી આપી દેહવેપાર પણ કરાવતો હોવાની વિગતનો પર્દાફાશ થયો છે.
પાદરા પોલીસ સ્ટેશનમાં સગીરાએ સાહિલ ઉર્ફે શકીલ વ્હોરા (રહે.મોચીબજાર, ઝંડાબજાર, પાદરા) સામે ફરિયાદ નોધાવી હતી અને જણાવ્યું હતું કે સાહિલ ઉર્ફે શકીલે મને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સાહિલ ઉર્ફે શકીલ પોતે હિન્દુ છે તેવી છાપ ઉભી કરી પોતાનું નામ વિકી છે તેમ કહ્યું હતું જો કે બાદમાં મને તે વિધર્મી હોવાની જાણ થતાં તેની સાથે સંબંધ કાપી નાંખતા તે ધમકીઓ આપવા લાગ્યો હતો.
પોલીસ ફરિયાદ બાદ સગીરાએ કોર્ટમાં જણાવ્યું હતું કે સાહિલ ઉર્ફે શકીલ મને મારઝૂડ કરતો હતો અને દેહવેપાર કરાવતો હતો. અન્ય પાંચ શખ્સોના નામ પણ સગીરાએ કોર્ટને આપતા ડીવાયએસપી તપાસમાં જોતરાયા હતાં અને પાંચ પૈકી બે શખ્સોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.