S. T. નિગમ દ્વારા અમદાવાદથી ચંદીગઢ, ગુરુગ્રામ, અને હરિદ્વારની પ્રિમિયમ બસ સેવા શરૂ કરાશે
- મુસાફરોના હિતમાં આંતરરાજ્ય બસ સેવાનું વિસ્તરણ કરાયું
- ચાલુ વર્ષે નવી એક હજાર બસો સંચાલનમાં મૂકાશે, તે માટે 5,500 ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી કરાઇ
અમદાવાદ,તા.12 ફેબ્રુઆરી 2019,મંગળવાર
એસ.ટી.નિગમ દ્વારા ગોવા અને વારાણસી બાદ હવે ચંદીગઢ, ગુડગાંવ(દિલ્હી) અને હરિદ્વાર ખાતે નવી પ્રિમિયમ બસ સર્વિસ શરૂ કરવાની તૈયારી હાથ ધરાઇ છે. આગામી અઠવાડીયામાં આ આંતરરાજ્ય બસ સેવા ચાલુ થઇ જવાની શક્યતા છે. ઉપરાંત મુસાફરોની સુવિધા માટે ચાલુ વર્ષે એક હજાર નવી સાદી એસ.ટી.બસો સંચાલનમાં મૂકવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે છેલ્લા ૧ વર્ષમાં ૫,૫૦૦ ડ્રાઇવર-કંડક્ટરોની પણ ભરતી કરી દેવામાં આવી હોવાનું એસ.ટી.નિગમના અધિકારીઓનું કહેવું છે.
આ અંગે એસ.ટી.નિગમના જનરલ મેનેજર નિખીલ બર્વેના જણાવ્યા મુજબ એસ.ટી.બસ સેવાને વધુમાં વધુ લોક ઉપયોગી અને મુસાફર ફ્રેન્ડલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. ખાનગી બસ ઓપરેટરો દ્વારા બસ ભાડામાં આડેધડ લૂંટફાટ ચલાવાય છે. તેની સામે મુસાફરોને સસ્તી, સારી અને સલામતી બસ સેવા પુરી પાડવાનો હેતું છે. તે માટ મુસાફરોને મુસાફરીનો વધુ એક વિકલ્પ આપવાની ખેવના હોવાથી પીપીપી ધોરણે ખાનગી બસો ભાડે લઇને મુસાફરોને સુવિધા અપાઇ રહી છે.
નવી સેવાઓ શરૂ થતા શરૂઆતના તબક્કે ખોટ થાય છે પરંતુ લાંબાગાળે તે રૂટ નફો કરતા હોય છે. અમદાવાદથી વડોદરા, રાજકોટ, શિરડી, દાહોદ, મોરબી, ભાવનગર સહિતના રૂટો નફો કરી રહ્યા છે.
હાલમાં ગત ૨૩ જાન્યુઆરીએ શરૂ કરાયેલા વારાણસી અને ગોવાના રૂટ પર મુસાફરો દિનપ્રતિદીન વધી રહ્યા છે. હાલમાં રોજના ૨૨ જેટલા મુસાફરો મળી રહે છે. મુસાફરોની સંખ્યા હજુ વધવાની શક્યતા છે. વારાણસીની બસ પાલનપુર, શિરોહી, પાલી, અજમેર, જયપુર, આગ્રા, કાનપુર, પ્રયાગરાજ થઇને વારાણસી જાય છે. વચ્ચેના આ રૂટોના મુસાફરોની સંખ્યા પણ વધી રહી છે.
ગોવાની બસ બરોડા, સુરત, વલસાડ, નાસિક, પુણે, કોલાપુર થઇને જતી હોવાથી આ બસ સ્ટેસનના મુસાફરો પણ સેવાનો લાભ લઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૦થી ૧૭ સુધીમાં ૪૫ પ્રિમિયમ બસો ૧૪ શહેરોને સાંકળતી હતી. છેલ્લા એક વર્ષમાં ૧૦૮ બસો ૫૪ શહેરોને સાંકળતી ચાલુ કરાઇ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવી ૩૦ પ્રિમિયમ બસો ઉમેરાઇ છે. હાલ ૧૩૮ બસો ૧૩૦ શહેરોને સાંકળતી ચાલી રહી છે.
પ્રિમિયમ બસોમાં ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા મોબાઇલ-નેટ બુકિંગ પર ૬ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેને લઇને ડિજીટલ પેમેન્ટની ટકાવારી વધીને ૨૮ ટકા સુધી પહોંચી ગઇ છે.
લગેજ કેરીયર દૂર કરવાના સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન થતું નથી
કોઇપણ ટ્રાવેલ્સ બસમાં લગેજ કેરીયર ન રાખી શકાય તેવો સુપ્રિમ કોર્ટનો તા.૨-૮-૨૦૧૧નો ચૂકાદો હોવા છતાંય તેનું પાલન થઇ રહ્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ એસ.ટી.ની લગભગ તમામ બસોમાંથી લગેજ કેરીયરો દુર કરી દેવાયા છે. બાકી જુની બસોમાંથી તબક્કાવાર તે દુર કરવામાં આવી રહ્યા છે.
નોંધપાત્ર છેકે ખાનગી બસોમાંથી લગેજ કેરીયર દૂર કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવાઇ નથી. જેના કારણે ખાનગી બસોની છત ઓવરલોડ માલસામાનથી ખીંચોખીંચ ભરીને દોડતી હોય છે. જેના કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે. સુપ્રિમકોર્ટના આદેશ મુજબ આવા લગેજ કેરીયર દુર કરવાની માંગણી ઉઠી છે.