Get The App

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસ નેતા સામે બદનક્ષીનો કેસ કરશે

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસ નેતા સામે બદનક્ષીનો કેસ કરશે 1 - image

રૂા. 500 કરોડની જમીનના મુદ્દે વિવાદ

સહારાની જમીન ઝોનફેર મામલે માફી માંગો કાં પુરાવા આપો, નહીંતર કાયદાકીય કાર્યવાહી 

અમદાવાદ : રાજકોટ નજીક સહારા હોમ કોર્પોરેશનની 111 એકર જમીનને ઝોનફેર કરવાના પ્રકરણમાં રૂા.500 કરોડનું કૌભાંડ આચરાયુ છે તેવા કોગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. આ મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ બદનક્ષીનો કેસ કરવા નક્કી કર્યુ છે અને વકીલ મારફતે નોટિસ મોકલી છે.

રૂા.500 કરોડની જમીન કૌભાંડનો આરોપ લાગતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના નેતાઓ સામે મેદાને પડયા છે. તેમનું કહેવુ છેકે, રાજકોટના વિકાસ માટે જમીનનો ઝોન ફેર કરવામાં આવ્યો છે. કોઇ કૌભાંડ કરાયુ નથી. સમયાંતરે સરકાર જમીન ઝોન ફેર કરતી હોય છે. આ પ્રકરણની તપાસ કરવામાં આવે તો હુ તૈયાર છુ. કોંગ્રેસે મારી રાજકીય કારર્કિદી પર દાગ લગાડવા અને રાજકીય રીતે બદનામ કરવાના પ્રયાસો કર્યા છે. 

રૂપાણીના એડવોકેટ મારફતે વિપક્ષના નેતા સુખરામ રાઠવા,ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે.ચાવડાને નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયુ છેકે, આ પ્રકરણમાં કોંગ્રેસના નેતાઓ 15 દિવસમાં માફી માંગે નહીતર બદનક્ષીનો કેસ કરવામાં આવશે.  આ તરફ એવી ચર્ચા છેકે,ભાજપ કે સરકારે કોઇ સહયોગ  ન આપતાં ખુદ રૂપાણીએ મેદાનમાં ઉતરવુ પડયુ છે.

 સાથે સાથે કોંગ્રેસે એવો આરોપ મૂક્યો હતોકે, અમદાવાદમાં થલતેજ અને વસ્ત્રાપુરની જમીનો છુટી કરવા માટે જે તે સમયે કલેક્ટર વિક્રાંત પાંડે મુખ્યમંત્રી નિવાસસૃથાને બોલાવી મંજૂરી આપવામાં આવી હતી.

કરોડોનો વહીવટ થયાની ગંધ આવી જતાં તેમની બદલી કરી દેવાઇ હતી. અગાઉ આ જ કલેકટર રાજકોટ ફરજ બજાવી ચૂક્યા હતાં. આ કૌભાંડ અંગે વિજય રૂપાણીએ નોટિસમાં કોઇ ઉલ્લેખ કર્યો નથી. જે ચર્ચાનો વિષય બન્યો છે. આમ, વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે કાયદાકીય લડત લડવા બાંયો ચડાવી છે.