Get The App

રન-વે હવે મહિના અગાઉ એપ્રિલથી જ ધમધમશે

-૨૦ માર્ચથી હવે રવિવારે પણ રન-વે ૯ કલાક બંધ રખાશે

-વાઇબ્રન્ટ સમિટને પગલે રન-વે રી કાર્પેટિંગની કામગીરી વહેલા પૂર્ણ કરવા સૂચના અપાયાની ચર્ચા

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ, રવિવાર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે રિકાર્પેટિંગની કામગીરી તેની નિર્ધારીત સમયમર્યાદા ૨૨ મે કરતાં એક મહિના અગાઉ એપ્રિલમાં જ પૂરી કરવામાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે. ગાંધીનગર ખાતે એપ્રિલ મહિના અંત અથવા મે મહિનાના પ્રારંભે વાઇબ્રન્ટ સમિટ યોજાવવાની સંભાવના હોવાથી રન-વે રિકાર્પેટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં આવી હોવાની પણ ચર્ચા છે. જેના ભાગરૃપે હવે ૨૦ માર્ચથી રવિવારે પણ સવારે ૯ થી સાંજે ૬ રન-વે રિકાર્પેટિંગની કામગીરી હાથ ધરાશે. હાલમાં રવિવારે અને જાહેર રજામાં રન-વે આખો દિવસ ખૂલ્લો રાખવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટના ૩૫૦૫ મીટર લાંબા રન-વેને રી કાર્પેટિંગના ભાગરૃપે ૧૭ જાન્યુ થી ૨૨ મે સુધી સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી નવ કલાક ફરજીયાત નોટમ જાહેર કરવામાં આવતા હાલમાં ફ્લાઈટોના શેડયૂઅલ ઘટાડો થયો  છે એરપોર્ટ પર પ્રતિદિન ૧૪૦ જેટલી ફ્લાઇટોનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ હવે    એરપોર્ટના રન-વેને  એક મહિનો પહેલા એટલે કે ૨૨મે ના બદલે એપ્રિલ મહિનામાં જ શરૃ કરી દેવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. 

સામાન્ય રીતે  ૨૬ માર્ચથી ૬ ઓક્ટોબર સુધી  ૬ મહિના સમર શિડયુઅલ હોય છે. જેના કારણે આગામી સમયમાં સમર વેકેશનની શરૃઆતમાં જ  વિમાનમાં ફરવા જતા હજારો મુસાફરોને વિવિધ રુટ પરની ફ્લાઈટોના વિકલ્પ મળી રહેશે.       જો મે મહિનામાં રન-વે શરૃ થાત તો  પરિવારજનો સાથે  ફરવા જતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડત.

   સૂત્રોના જણાવ્યા મુજબ, આખા રન-વેનું એક લેયરનું રિકાર્પેટિંગ કરી બીજી વખત પણ પૂર્ણ થવાની તૈયારી છે. હવે રનવેના શોલ્ડર સાઈડ અને   પ્રોપર ગ્રેડિંગ કરી સ્લોપ આપી ડ્રેનેજનું કામ બાકી છે. હાલના રન-વે પર અધુનિક મશીનો અને મોટી સંખ્યામાં લેબર કામ કરી રહ્યા હોવાથી   રિકાર્પેટિંગનું કામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી શકયતાઓ છે.

નોંધનીય છે કે સિવિલ એવિએશનના 'રનવે એન્ડ સેફ્ટી એરિયા' (રેસા) દ્વારા મુસાફરોની સુરક્ષાના કારણોસર આ કાર્ય પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં એરપોર્ટ પરિસરની  ભૂમીનો ગ્રેડિંગ માટે ઉપયોગ કરીને સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન દ્વારા તેની મજબૂતાઈ વધારવાનો છે જેથી રનવે વારંવાર તૂટી જવાનો ભય રહે નહીં.