Get The App

સચિવાલયમાં કરાતી RTIની અરજીની માહિતી હવે ઓનલાઇન મળશે

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News
સચિવાલયમાં કરાતી RTIની અરજીની માહિતી હવે ઓનલાઇન મળશે 1 - image


બીજા તબક્કામાં ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઓનલાઇન મળતી થશે

ગાંધીનગર : ગુજરાતના નાગરિકો તરફથી આરટીઆઇ હેઠળ કરવામાં આવતી અરજીની માહિતી ઓનલાઇન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ વ્યવસ્થાનો પ્રથમ પ્રારંભ સચિવાલયના વિવિધ વિભાગોમાં લાગુ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં તેનો અમલ ખાતાના વડાની કચેરી તેમજ જિલ્લા કચેરીઓમાં થશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરટીઆઇ અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પુરી પાડતા પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ-ટેકનોલોજી વિભાગના જીઆઇએલના પરામર્શમાં સહયોગથી કાર્યરત કરવામાં આવ્યું છે.

સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે. પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આરટીઆઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે.

આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. એટલે કે આરટીઆઇમાં માહિતી માગનાર અરજદાર ઓનલાઇન અરજી કરી શકશે અને સરકારના વિભાગો તેમનો જવાબ ઓનલાઇન પણ આપી શકશે.

Tags :