એર પોલ્યૂશન ઝોન વિસ્તારના સર્વે માટે વુડા રૃા.૮૮.૯૯ લાખ ખર્ચ કરશે
પ્રદૂષણની તિવ્રતા માપક સહિતના આવશ્યક સાધનો નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ પાસેથી ખરીદાશે
વડોદરા, તા.5 ફેબ્રુઆરી, બુધવાર
વડોદરાના પશ્ચિમ તેમજ ઉત્તર વિસ્તારમાં આવેલી અનેક કંપનીઓના કારણે અગાઉ એર પોલ્યુશન વિસ્તાર જાહેર કરાયો હતો પરંતુ હવે કંપનીઓ નહી હોવાથી આ વિસ્તારોમાં એર પોલ્યુશન ઝોનનો નવેસરથી નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (એનઆઇઓએચ) પાસેથી વૈજ્ઞાાનિક અને આધુનિક પધ્ધતિથી એર પોલ્યુશન સર્વે કરાવવા માટે વુડા દ્વારા રૃા.૮૮.૯૯ લાખનો ખર્ચ કરશે.
વર્ષ-૧૯૭૬માં જ્યારે વડોદરાનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવાયો ત્યારે શહેરની આસપાસ ગોરવા, છાણી તેમજ પશ્ચિમ વિસ્તારોમાં આવેલી કેટલીક પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રિઝના કારણે તેની નજીકના વિસ્તારોને એર પોલ્યુશન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ. જો કે બાદમાં અનેક ઇન્ડસ્ટ્રિઝ બંધ થઇ ગઇ તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કડક અમલ અને ટેકનોલોજીના કારણે પોલ્યુશનનું પ્રમાણ આ વિસ્તારોમાં અગાઉ કરતા ઘટી જતા ક્રેડાઇના હોદ્દેદારો તેમજ વુડા અને મ્યુનિસપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે કેટલાક મુદ્દાઓ અંગે ગય વર્ષે જ્યારે બેઠક યોજાઇ ત્યારે એર પોલ્યુશન ઝોનનો મુદ્દો ઉઠયો હતો.
જૂન-૨૦૧૩માં વુડાની ૨૧૯મી બોર્ડ બેઠક મળી ત્યારે તે સમયના ઠરાવ મુજબ સરકારમાં રજૂઆત પણ કરાઇ હતી. એર પોલ્યુશનના કારણે રહેણાંક મિલકતના માલિકો જમીનની યોગ્ય વેલ્યુ મેળવી શકતા ન હતાં જેથી એર ક્વોલિટી ધ્યાનમાં રાખીને નવેસરથી સ્ટડી કરાવવાનો નિર્ણય જુલાઇ-૨૦૧૯માં મળેલી બોર્ડ બેઠકમાં લેવાયો હતો. બાદમાં ડિસેમ્બર-૨૦૧૯માં જીપીસીબી સાથે બેઠક મળી ત્યારે વડોદરાના ત્રીજા ડેવલોપમેન્ટ પ્લાનમાં આ મુદ્દાનો સમાવેશ કરવાનું નક્કી થયું હતું. આ અભ્યાસ માટે હવા પ્રદૂષણની તિવ્રતા માપક સહિતના આવશ્યક સાધનો નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા ખરીદવાના હોય છે. પરંતુ આ સાધનોની ખરીદી માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવા માટે લાંબો સમય થતો હોવાથી વુડાએ હાલમાં જાતે જ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.