વડોદરામાં ઓપી રોડ પરનું રોકસ્ટાર સર્કલ હવે યોગ સર્કલ કહેવાશે
- સ્ક્રેપમાંથી બનાવેલા રોકસ્ટાર સ્કલ્પચર ત્રણ મહિના પહેલા હટાવી લેવાયું હતું
- રોકસ્ટારના સ્થાને યોગમુદ્રાનું શિલ્પ મૂકવામાં આવ્યું છે
વડોદરા,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરા કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલા શહેરના ઓપીરોડ પરના જંકશન ખાતે લોખંડના ભંગારમાંથી બનાવેલ રોકસ્ટાર સ્કલ્પચરને મૂકવામાં આવ્યું હતું, તે ત્રણ મહિના અગાઉ રાત્રે હટાવી લીધું હતું .અહીં બનાવેલું સર્કલ રોકસ્ટાર સર્કલ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે આ સર્કલ યોગ સર્કલ તરીકે ઓળખાશે. આજરોજ અહીં યોગ સર્કલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એક જ પથ્થરમાંથી બનાવેલી આ કલાકૃતિ ત્રણ મહિનાની સ્થાનિક 15 કલાકારોની મહેનતના અંતે તૈયાર થયું છે. જેમાં એક બાજુ પુરુષ અને બીજી બાજુ મહિલા પદ્માસનની સ્થિતિમાં ધ્યાન મુદ્રામાં બેઠેલા જણાય છે. જે અહીંથી પસાર થતાં લોકોને યોગ અને ધ્યાનની જાગૃતિ કેળવવાનો સંદેશો આપતા રહેશે એમ કોર્પોરેશનના હોદ્દેદારોનું ઉદ્ઘાટન બાદ કહેવું હતું. વર્ષ 2017 માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રેપમાંથી 25 શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી કેટલીક શિલ્પ કૃતિઓ શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્કલ પર મૂકવામાં આવી છે. જેમાંનું રોકસ્ટાર એક હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાર પાંચ મહિના અગાઉ રી-ઇમેજીંગ વડોદરા વિશે પરીસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરામાં ગંદા અને આર્ટિસ્ટિક ન હોય તેવા મેટલના ગંદા કહી શકાય તેવા શિલ્પો ઉભા કરી દેવાયા તે મુદ્દે ટકોર કરવામાં આવી હતી.