Get The App

મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્ડર: વૃદ્ધાનું ગળું કાપી લૂંટારાઓ ફરાર

Updated: May 19th, 2024

GS TEAM

Google News
Google News
મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્ડર: વૃદ્ધાનું ગળું કાપી લૂંટારાઓ ફરાર 1 - image


Robbery in Vadodara: તરસાલી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન દંપતી પર મળસ્કે ચાર વાગ્યે લૂંટારાઓએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. લૂંટ વીથ મર્ડરના બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મકરપુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્ડર: વૃદ્ધાનું ગળું કાપી લૂંટારાઓ ફરાર 2 - image

બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં ૭૩ વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.૭૧) એકલા રહે છે. ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. મળસ્કે ચાર વાગ્યે લાઇટ જતા સુખજીતકૌર ઉઠયા હતા. તેઓ ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા. માત્ર તેમના ઘરની જ લાઇટ બંધ હતી. સોસાયટીના અન્ય મકાનોમાં લાઇટો હતી. તેઓ કંઇ સમજે તે પહેલા જ ચોરીના ઇરાદે આવેલા આરોપીઓએ તેમના પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમણે ચોર, ચોરની બૂમો પાડતા તેમના પતિ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો તેમના પત્ની લોહીલુહાણ હાલતમાં બહાર પડયા હતા. તેમણે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. તેઓ ઇજાગ્રસ્ત સુખજીતકૌરને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેઓનું મોત થયું હતું. તેમના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. મકરપુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વૃદ્ધાના શરીર પરથી દાગીના લૂંટી ગયા હતા.

મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્ડર: વૃદ્ધાનું ગળું કાપી લૂંટારાઓ ફરાર 3 - image

Tags :