બાળકોને ટીવી - યુટયુબ દ્વારા હોમ લર્નિંગ કરવા સરકારનો અનુરોધ
- સ્કૂલોઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરતા
- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ કાર્યક્રમો જીયો ટીવીદ્વારા વંદે ગુજરાત ચેનલ જોઈ શકાશે
અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર
ફી ન લેવાના સરકારના આદેશ બાદ સ્કૂલોએ આજથી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધુ છે ત્યારે રાજ્ય સરકારે આ મુદ્દે આજે જાહેરાત કરી હતી કે રાજ્યની ખાનગી સ્કૂલોના ધો.3થી12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણથી વંચિત નહી રહે.બાળકો સરકારના ટીવી-યુટયૂબ કાર્યક્રમો દ્વારા હોમ લર્નિંગ મેળવે.
શિક્ષણમંત્રીએ આજે જાહેરાત કરી હતી કે સરકારે ધો.3થી12મા બાળકોને વિના મૂલ્યે શિક્ષણપુરૂ પાડશે. અંગ્રેજી અને ગુજરાતી એમ બંને માધ્યમમાં હોમ લર્નિંગ કરાવાશે. આ સંદર્ભે જીસીઈઆરટી અને ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયારીઓ કરવા સૂચના અપાઈ હતી. વંદે ગુજરાત ચેનલ અને ડીડી ગિરનાર ચેનલ પર બાયસેગ દ્વારા પ્રસારિત કાર્યક્રમોથી ધો.9થી12માં અભ્યાસકાર્ય ચાલી રહ્યુ છે.
આ ઉપરાંત ધો.9થી12માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વંદે ગુજરાત ચેનલ નં .1થી16 પર ધો.3થી12 માટે બંને માધ્યમોના કાર્યક્રમો પ્રસારિત કરાશે. આ કાર્યક્રમો સાતેય દિવસ અને 24 કલાક ચાલશે.
આ ઉપરાંત જીયો સીમકાર્ડ ધરાવતા મોબાઈલ ફોનમાં જીયો ટીવી એપ્લિકેશન પરથી વંદે ગુજરાત ચેનલ્સ પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો જોઈ શકાશે. વધુમાં જીસીઈઆરટીની યુટયુબ ચેનલ પરથી ધો.9થી12માં વર્ચ્યુલ ક્લાસરૂમ લેક્ચર્સ પણ આપવામા આવી રહ્યા છે.જે પણ વિદ્યાર્થીઓ ગમે ત્યારે જોઈ શકે છે.
ટીવી ચેનલોના કાર્યક્રમને પણ ફ્રી એજ્યુકેશનમાં ખપાવ્યું
સરકારે મોટા ઉપાડે રાજ્યની તમામ ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન એજ્યુકેશન આપવાની જાહેરાત કરી છે પરંતુ પહેલેથી ટીવી ચેનલો-યુટયુબ દ્વારા હોમ લર્નિંગ ચાલી જ રહ્યુ છે અને જેમાં ગુજરાત બોર્ડ હેઠળની તમામ ખાનગી સ્કૂલોના બાળકો હોમ લર્નિંગ કરી જ શકે છે ત્યારે સરકારી અને ખાનગી સ્કૂલોના બાળકો માટે કોઈ અલગ-અલગ કાર્યક્રમો તૈયાર થતા નથી કે કરવામા આવનાર નથી.ઉપરાંત સરકારે સરકારી ચેનલો પરથી પ્રસારિત થતા કાર્યક્રમોને પણ ફ્રી ઓનલાઈન એજ્યુકેશનમાં ખપાવી દીધુ છે.સરકારે વિરોધ-વિવાદ ઠારવા માટે જાહેરાતો કરી છે પરંતુ સ્કૂલો દ્વારા શિક્ષકોના માધ્યમથી રોજે રોજનું ઓનલાઈન શિક્ષણ મળે તે માટે અને ફી તેમજ શિક્ષકોના પગાર મુદ્દે નક્કર વિચારણા કરવી પડશે.
મોટા ભાગની સ્કૂલો બંધ રહી, ઓનલાઈન શિક્ષણ ન કરાવ્યુ
સરકારે ફી ન લેવાનો ઠરાવ કર્યા બાદ આજથી સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ કર્યુ છે અને સાથે સાથે સ્કૂલો પણ બંધ કરી દેતા તમામ વહિવટી કામગીરી પણ બંધ કરી દીધી છે.જેથી વાલીઓની શાળાલક્ષી કોઈ કામગીરી નહી થાય.આજે મોટા ભાગની સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધુ હતું.જો કે કેટલીક સ્કૂલે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યુ હતું.